સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો સહિતની ૪૫ ટીમોના અંદાજિત ૩૨૦ જેટલા મહિલા અને પુરુષ તિરંદાજોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન, ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશન અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એકતાનગર સ્થિત એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સ્પર્ધાને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાઈ હતી. આ સ્પર્ધાનું શુક્રવારે સમાપન કરાયું હતું.
રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરીશ્રી દિનેશભાઈ ભીલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના એકતાનગરને જે વિકાસની દિશા આપી છે તેવા સ્થળે સિનિયર નેશનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઈન્ડિયન રાઉન્ડ, રિકર્વ-બો( આધુનિક ધનુષ) અને કમ્પાઉન્ડ ધનુષની સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશભરમાંથી આવેલી ૪૫ ટીમોના ૩૨૦ આર્ચર્સે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિશ્વની નંબર-૦૧ તીરંદાજ દીપિકા કુમારી, ઓલંપિયર્સ અતાનુ દાસ, અર્જુન એવોર્ડી શ્રી અભિષેક વર્મા, શ્રી રજત ચૌહાણ સહીત ૨૦ જેટલા ઇન્ટરનેશનલ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ એકતાનગર ખાતે સ્પર્ધામાં ભાગ લઈ વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટને નિહાળીને અત્યંત ખૂશ થયા હતા.
અર્જુન એવોર્ડ વિજેતા અને દિલ્હીની ટીમના સભ્ય જેઓ રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓ રમીને અનેક એવોર્ડ પોતાના નામે અંકિત કરનાર શ્રી અભિષેક વર્માએ સ્પર્ધા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બે મહિના પહેલાં હું સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ખાતે હતો આજે આપણા વતનની ભૂમિ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર ભારત દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવનારું છે. વધુમાં તેઓએ કહ્યું કે, ભૂતકાળમાં જે પ્રકારે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કર્યા છે તેવી જ રીતે આવનારી ટૂર્નામેન્ટ માટે આ સ્પર્ધા અમારા માટે ખૂબજ મહત્વની બની રહેશે. કારણ કે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને એશિયન ચેમ્પિયનશીપ પણ આગામી સમયમાં થવાની છે તેમજ ઓલિમ્પિક ક્વોલિફિકેશન પણ થવાનું છે, જેને લક્ષ્યમાં લઈને હાલ અમે આ સ્પર્ધા થકી આત્મવિશ્વાસને વધુ મજબુત કરી રહ્યા છીએ. દેશભરમાં ગામે ગામથી નવા આર્ચર નીકળી રહ્યા છે. તેમનું ભવિષ્ય પણ ખૂબજ સારું છે કારણ કે સરકાર પણ આર્ચરીને પ્રોત્સાહન આપીને વિવિધ એકેડેમી શરૂ કરીને તીરંદાજોને શ્રેષ્ઠ મંચ પ્રદાન કરી રહી છે.
આ તીરંદાજી સ્પર્ધામાં રાજસ્થાન પોલીસ વિભાગ તરફથી ભાગ લેવા આવેલા ડીએસપી અને અર્જુન એવોર્ડ વિજેતા શ્રી રજત ચૌહાણે જણાવ્યું કે, સરદાર સાહેબની પ્રતિમાના સાનિંધ્યમાં યોજાયેલી આ સ્પર્ધા અમારા માટે અત્યંત મહત્વની બની રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતાનરનું નામ હવે આ સ્પર્ધા થકી પણ એક નવી ઓળખ બનાવશે. ગુજરાત સરકાર અને સ્થાનિક પોલીસ વિભાગ તથા આયોજકો દ્વારા અહીં અમને જે સુવિધા પુરી પાડવામાં આવે તે ખૂબજ સારી હતી. ગુજરાત એ વિકાસની ગતિ પર આગળ વધી રહેલું અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી પ્રગતિ સાધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આવીને અમને ખૂબ ખૂશી થઈ છે.
આ સ્પર્ધાના આયોજનનો હેઠળ તીરંદાજી સ્પર્ધાનો વ્યાપ વધારવાનો છે. રાષ્ટ્રીય તીરંદાજ વેસ્ટ બેંગોલના અતાનું દાસે જણાવ્યું હતું કે, ગુજરાત કેવડિયા એકતા નગર પહેલી વાર આવ્યો રાજ્ય સરકાર અને સ્થાનિક આયોજકો દ્વારા મેદાન થી લઈને ખેલાડીઓને રહેવા જમવાની અને અન્ય સગવડો સારી છે અને સુંદર આયોજન મેદાન પણ ખુબ સારું છે. આર્ચરી માટે એકતાનગરમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બની શકે તેવો પણ તેણે મત વ્યકત કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના આંગણે યોજાયેલી રાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં ગુજરાતમાંથી શ્રી કમલેશ વસાવા, શ્રી ભીંગાભાઈ ભીલ, સુશ્રી પાયલ રાઠવા, સુશ્રી અમિતા રાઠવા સહિત કુલ ૨૪ જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ઈન્ડિયન રાઉન્ડમાં સુશ્રી અમિતા રાઠવાએ ગોલ્ડ મેડલ જીતીને બાજી મારી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.
આ તીરંદાજી સ્પર્ધામાં ભારતના અનેક અર્જુન એવોર્ડ વિજેતા, ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકેલા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજી ક્ષેત્રે નામના મેળવી ચૂકેલા તીરંદાજોએ ભાગ લીધો હતો. પ્રથમ વખત ગુજરાતમાં આવી સ્પર્ધા યોજાતા તીરંદાજોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન અને ગુજરાત આર્ચરી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધા દરમિયાન આંતર રાષ્ટ્રીય કક્ષાના નંબર-૧ ખેલાડી દિપીકાકુમારી, આતાનુદાસ, જયંત તાલુકદાર જેવા ખેલાડીઓ અને સ્વામી વિવેકાનંદ યુથ બોર્ડના ચેરમેન શ્રી કૌશલભાઈ દવે, ઓએનજીસી મહેસાણાના એસેટ મેનેજરશ્રી સુધીર ગુપ્તા, સમગ્ર ટુર્નામેન્ટના આયોજક અને આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી શ્રી દિનેશભાઈ ભીલ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણ તડવી, આગેવાનશ્રી મુકેશભાઈ રાઠવા, એસ.આર.પી.ગ્રુપ-૧૮ના ડી.વાય.એસ.પી.શ્રી એલ.પી.ઝાલા, નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણુભાઈ વસાવા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024