Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત સિટી પ્રાંત અધિકારીના હસ્તે સૈનિકો-શહીદ સૈનિકોના પરિવારો માટે ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’નો ઉદાર હાથે ફાળો આપનાર સંસ્થાઓને સ્મૃતિ ચિન્હ એનાયત

  • November 03, 2023 

દેશની સુરક્ષા અને અખંડિતતા માટે અડીખમ રહેનારા વીર યોદ્ધાઓનું અભિવાદન કરવા માટે પ્રતિ વર્ષ તા.૭મી ડિસેમ્બરે દેશભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવવામાં આવે છે. સૈનિકોના લાભાર્થે સુરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ ૨૦૨૨-૨૦૨૩માં રૂા.૭૪.૩૫ લાખ જેટલું ભંડોળ એકત્ર કર્યું છે. જેના અનુસંધાને અઠવાલાઈન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે સુરત સિટી પ્રાંત અધિકારીના હસ્તે ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ ભંડારમાં ઉદાર હાથે ફાળો આપનાર સરકારી કચેરીઓ અને સંસ્થાઓને સ્મૃતિ ચિન્હ એનાયત કરી સન્માનિત કરાયા હતા. સુરતના દાનવીર દાતાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, દેશ માટે રક્ષા કાજે સેવા કરતાં સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવારો માટે દેશના નાગરિકો, સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ યથાશક્તિ યોગદાન આપી શહીદો પ્રત્યેનુ ઋણ અદા કરે છે.



રાષ્ટ્ર માટે પોતાના પરિવારજનોથી દૂર રહી ફરજ બજાવનારાઓ માટે આપણી પણ સામાજિક ફરજ બને છે. તેમજ તેમણે ચાલુ વર્ષે પણ સૌ નાગરિકોને સ્વૈછિક રીતે આગળ આવી અનુદાન આપવા અનુરોધ કર્યો હતો. સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડારમાં અગ્રતા અનુસાર રૂા.૧૨.૨૮ લાખના માતબર ફાળા સાથે સુરત મહાનગરપાલિકા પ્રથમ સ્થાને, રૂ.૬.૧૬ લાખના ફાળા સાથે પોલીસ અધિક્ષકની કચેરી-અઠવાલાઈન્સ બીજા ક્રમે, રૂ.૬.૦૪ લાખ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. સુરત ત્રીજા ક્રમે, રૂા.૫.૦૭ લાખ સાથે હજીરા-એલ એન્ડ ટી ચોથા અને રૂ.૩.૫૨ લાખના ફાળા સાથે પોલીસ કમિશનરની કચેરીને પાંચમા ક્રમે સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત ૧૦ હજાર, ૫૦ હજાર અને ૧ લાખ સુધીના અનુદાન માટે અન્ય ૨૭ સંસ્થા/શાળા અને વ્યક્તિગત અનુદાન બદલ બિરદાવ્યા હતા.



નોંધનીય છે કે, રાષ્ટ્રરક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ, પૂર્વ સૈનિકોની દિકરીઓને લગ્ન સહાય, ઉચ્ચક મરણોતર સહાય તેમજ મકાન રીપેર સહાય માટે આ ફાળાનો ઉપયોગ કરવામાં આવે છે. સુરતની પુનર્વસવાટની કચેરીમાં હાલમાં ૧૮૪૪ પૂર્વ સૈનિકો, ૩૯૩ સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ અને ૬૩૧૮ આશ્રિતો નોંધાયા છે.



દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મળતા સ્વૈચ્છિક દાનનો ઉપયોગ સૈનિકો/શહીદોના નિરાધાર પરિવારો તથા માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનવર્સવાટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આવક મર્યાદા આધારિત કેસોમાં ૧૦૮ લાભાર્થીઓને રૂા.૫.૯૭ લાખ, બીજા વિશ્વયુધ્ધના કેસોના ૮૯ લાભાર્થીઓને રૂા.૯.૭૯ લાખ, લડાઈ ઓપરેશનમાં ક્ષતિગ્રસ્ત ૧૦૮ કેસોમાં રૂ. ૭.૪૬ લાખ, ઉચ્ચક મરણોત્તર ક્રિયાના ૧૦ કેસોમાં રૂા.૧ લાખ તેમજ ઉચ્ચક દિકરી લગ્ન સહાયના ૨ કેસોમાં રૂ. ૫૫ હજાર મળી કુલ ૩૧૭ આર્થિક સહાયના કેસોમાં રૂા.૨૪.૭૭ લાખ સહાય એનાયત કરવામાં આવી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application