ક્લાઈમેટ ચેન્જને કારણે ભારતમાં ઋતુચક્ર બદલાઈ ગયું છે. ગમે ત્યારે ઠંડી, ગરમી અને વરસાદ ખાનાખરાબી સર્જે છે. અધૂરામાં પૂરું વાયુ પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી હવાનાં સ્તરે માનવીઓનાં આરોગ્ય સામે ખતરો સર્જ્યો છે. લોકો અનેક પ્રકારની બીમારીનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં એક અભ્યાસનાં ચોંકાવનારા તારણો એવો નિર્દેશ કરે છે કે વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં નાના બાળકોમાં જ્ઞાન અને સમજણલક્ષી સમસ્યાઓ સર્જાય છે.
ખાસ કરીને નાના બાળકોનું મગજ જ્યારે બે વર્ષની ઉંમર સુધી વિકાસનાં તબક્કામાં હોય ત્યારે જ તેમનાં મગજ અને જ્ઞાનતંતુઓ પર હવાનું પ્રદૂષણ માઠી અસરો સર્જે છે. તેમનામાં સમજણશક્તિ ખીલવા આડે અવરોધો સર્જાય છે. તેમની નવું નવું જ્ઞાન મેળવવાની તેમજ વિચારો, અનુભવ અને સમજશક્તિને આધારે સંજ્ઞાન શક્તિ વિકસવામાં અવરોધો સર્જાય છે. આવા સંજોગોમાં જો વાયુ પ્રદૂષણને રોકવા અને બાળકો પર તેની માઠી અસરો રોકવા કોઈ પગલાં લેવામાં ન આવે તો લાંબાગાળે બાળકોનું મગજ વિકસવામાં ગંભીર સમસ્યાઓ સર્જાય છે જે તેનાં આખા જીવનને માઠી અસરો કરે છે તેવી ચેતવણી નિષ્ણાતોએ ઉચ્ચારી છે.
હવાની નબળી ગુણવત્તાને કારણે તેમજ ઝેરી વાયુને કારણે બાળકોમાં કેટલીક માનસિક સમસ્યાઓ સર્જાય છે તેમનામાં લાગણીઓ, સંવેદનાઓ અને વર્તણૂકને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે જેની ગંભીર અસરો આખા પરિવાર પર પડે છે તેમ યુકેની ઈસ્ટ એન્ગલિયા યુનિવર્સિટીનાં સંશોધક જ્હોન સ્પેન્સરે જણાવ્યું છે.
હવાની સારી ગુણવત્તાની આરોગ્ય અને માનસિક સ્વસ્થતા પર અસર
હવાની સારી ગુણવત્તાની બાળકોનાં આરોગ્ય તેમજ માનસિક સ્વસ્થતા પર સારી અસરો જન્મી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. બાળપણથી લઈને મોટી ઉંમર સુધી તેનાં માનસિક વિકાસ પર શુદ્ધ હવાની સકારાત્મક અસરો જન્મતી હોવાનું જણાયું હતું. ગરીબ અને સામાન્ય પરિવારોમાં રસોઈ કરવા માટે છાણા તેમજ લાકડાંનો વપરાશ ઘટાડવા ભાર મુકાયો હતો જેથી હવાની ગુણવત્તા સુધારી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500