Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ પર CRPF, સ્થાનિક પોલીસ તથા હોમગાર્ડનાં જવાનો તૈનાત કરી સઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ

  • November 25, 2022 

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિભાનસભાની સામાન્ય ચૂંટણી-2022 જાહેર કરવામા આવી છે. જે મુજબ 173-ડાંગ બેઠક પર પ્રથમ ચરણમાં તા.1/12/2022નાં મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત રીતે યોજાય, તેમજ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી ડાંગ જિલ્લાની સરહદી વિસ્તારની કુલ 13 ચેકપોસ્ટ ઉપર CRPFનાં જવાનો સહિત સ્થાનિક પોલીસના જવાનો તથા હોમગાર્ડ અને GRDનાં જવાનો તૈનાત કરી સઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામા આવી છે.



મહારાષ્ટ્ર રાજ્યની આંતરરાજય ચેકપોસ્ટ ઉપરાંત તાપી, અને નવસારી જિલ્લાને અડીને આવેલા ચેકપોસ્ટ ઉપર 24×7 સુરક્ષાકર્મીઓ તેનાત કરવામાં આવ્યા છે. બોડી વોર્ન કેમેરા, આર્મ્સ હથિયાર, વોકીટોકી, તેમજ દરેક ચેકપોસ્ટ ઉપર CRPFનાં 8 જવાનો, 2 પોલીસ કર્મીઓ, 3 હોમગાર્ડ, 3 GRD તેમજ પોલીસ ફોરેસ્ટ કર્મીઓને તેનાત કરવામા આવ્યા છે. ચૂંટણી સમયે અન્ય રાજ્ય કે જિલ્લામાંથી ગેરકાયદેસરની પ્રતિબંધક વસ્તુઓ, તેમજ રોકડ રકમ વગેરેનુ સઘન ચેકીંગ કરવામા આવી રહ્યું છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી ભયમુક્ત રીતે યોજાય, જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તેમજ કોઈ મતદાતાઓને ધાક ધમકી કે લોભ લાલચ આપીને ભ્રમિત ન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે.




ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાનાં પૂર્વ પટ્ટીના સુબિર તાલુકામા નંદુરબાર જિલ્લાને અડીને શિંગાણા ફોરેસ્ટ ચેકપોસ્ટ તથા ધુલિયા જિલ્લાને અડીને ઝાકરાયબારી અને નકટ્યાહનવત ફોરેસ્ટ ચેકપોસ્ટ કાર્યરત છે. જ્યારે આહવા તાલુકામાં પાડોશી નાશીક જિલ્લાને અડીને ચિંચલી, કાંચન ઘાટ અને સાપુતારા ઉપરાંત વધઇ તાલુકામાં માળુંગા, બરડા, દગુનિયા અને બારખાંદ્યા ખાતે ફોરેસ્ટ ચેકપોસ્ટ કાર્યરત છે. આંતર રાજ્ય સરહદીય ચેકપોસ્ટ ઉપરાંત તાપી જિલ્લાને અડીને સુબીર તાલુકાની બરડીપાડા, અને વધઇ તાલુકાની ભેંસકાતરી ચેકપોસ્ટ તથા નવસારી જિલ્લાને અડીને આવેલી વધઇ તાલુકાની વઘઈ આર.ટી.ઓ. ચેકપોસ્ટ મળી કુલ 13 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application