Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં પ્રવેશી જતાં CPCBએ એલર્ટ જારી કર્યું

  • November 15, 2024 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં પ્રવેશી જતાં સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ એલર્ટ જારી કરતા કમિશન ફોર એર કવોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ ઇમરજન્સી બેઠક બોલાવી એનસીઆરમાં ગ્રેપ (ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન)ના ત્રીજા તબક્કાના અમલની જાહેરાત કરી છે. ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને શાળામાં બોલાવવામાં આવશે નહીં  તેમને ઓનલાઇન માધ્યમથી ભણાવવામાં આવશે. સીએક્યુએમની આ જાહેરાત પહેલા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે હાલમાં ગ્રેપ-૩ લાગુ કરવામાં આવશે નહીં. જો કે સીએક્યુએમની બેઠક પછી ગ્રેપ-૩ને અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે.


જ્યારે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં આવી જાય છે ત્યારે ગ્રેપ-૩ના પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવે છે. ગ્રેપ-૩ હેઠળ નિર્માણ અને તોડફોડના કામમાં બોરિંગ અને ડ્રિલિંગ, પાઇલિંગ વર્ક, ઓપન ટ્રેચ સિસ્ટમથી થનારી સીવર લાઇન, ડ્રેનેજ અને ઇલેક્ટ્રિક કેબલના કામ, ઇંટ ભઠ્ઠી વગેરેના કામ, આરએમસી બેચિંગ પ્લાન્ટ, મોટા વેલ્ડિંગ કામ,  અને ગેસ કટિંગ કામ થઇ શકશે નહીં. કાચી સડકો પર કાર ચલાવી શકાશે નહીં. કાટમાળનું ટ્રાન્સપોર્ટેશન કરી શકાશે નહીં. તમામ સ્ટોન ક્રેશર ઝોન બંધ રહેશે. ખાણકામ અને તેની સંબધિત પ્રવૃત્તિઓ બંધ રહેશે. બીએસ-૩ પેટ્રોલ અને બીએસ-૪ ડીઝલના વાહનો પર દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં પ્રતિબંધ રહેશે. બીએસ-૩ના હલકા માલવાહક વાહનો પર પ્રતિબંધ રહેશે.


જો કે જરૃરી માલસામગ્રીના વાહનોને છૂટ અપાશે. રાજ્ય સરકાર ઇચ્છે તો ધો. ૫ સુધીના બાળકોના ફિઝિકલ વર્ગો બંધ કરી ઓનલાઇન શરૃ કરી શકે છે. ગ્રેપ-૩ના અમલની જાહેરાત પછી દિલ્હીના મુખ્યપ્રધાન આતિશીએ જાહેરાત કરી છે કે આગામી નિર્દેશ ન મળે ત્યાં સુધી દિલ્હીમાં ધો. ૫ સુધીના વર્ગો ઓનલાઇન ચાલશે અને આ બાળકોએ શાળાએ આવવું નહીં પડે. દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દિલ્હીના પ્રદૂષણ અંગેની અરજીની ૧૮ નવેમ્બરે સુનાવણી કરવા સંમત થઇ ગયું છે. પંજાબમાં પરાળી બાળવાની નવી ૫૦૯ ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં પરાળી બાળવાની કુલ ૭૬૨૧ ઘટનાઓ સામે આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application