બારડોલીના લિનિયર બસ સ્ટેન્ડ પર છેલ્લા દશેક દિવસથી CCTV કૅમેરા બંધ હાલતમાં હોય મુસાફરોની સલામતી જોખમાય રહી છે. જાહેર સ્થળો પર CCTV હોવું ફરજિયાત હોવા છતાં એસ.ટી.ડેપોના અધિકારીઓ દ્વારા દશ દિવસથી બંધ કૅમેરા ચાલુ કરવાની તસ્દી લીધી નથી.
એસ.ટી. ડેપો પર મુસાફરોની સલામતી જળવાય, અસમાજિક પ્રવૃત્તિ પર અંકુશ તેમજ ખિસ્સા કાતરુંનું દૂષણ ઓછું થાય તે માટે દરેક બસ સ્ટેન્ડ પર એસ.ટી. વિભાગ દ્વારા CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. બારડોલીના લિનિયર બસ સ્ટેન્ડ પર પણ 6 થી 7 કૅમેરા લગાવી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ ચોમાસા દરમ્યાન તેમજ જાળવણીના અભાવે બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલા કૅમેરા છેલ્લા દશેક દિવસથી બંધ હાલતમાં છે. કૅમેરા બંધ હોવાથી અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓને પણ છૂટોદોર મળી જતો હોય છે. એટલું જ નહીં ખિસ્સાકાતરુઓ પણ આરામથી મુસાફરોને નિશાન બનાવી નીકળી જતાં હોય છે. આવી ઘટનાઓમાં CCTV ફૂટેજ ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ CCTV જાળવણીના અભાવે બંધ હોય પોલીસ માટે પણ ચોરીના ગુનાઓ ઉકેલવા મુશ્કેલ બની જતાં હોય છે.
બારડોલી ડેપોના ATS ઇકબાલ દૌલાએ જણાવ્યુ હતું કે, હાલ 7 માંથી ત્રણ જ કૅમેરા બંધ છે. અન્ય કૅમેરામાં થોડી ખામી છે. જે માટે ઉપરી કચેરીમાં ફરિયાદ કરી છે. બે દિવસમાં કૅમેરાના સમારકામ માટે ટીમ આવી કૅમેરા ચાલુ કરી જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500