Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પટનામાં NEET પેપર લીક મુદ્દે મોટો ઘટસ્ફોટ : જુનિયર એન્જિનિયરએ પોતાની ભૂમિકાની કબૂલાત કરી

  • June 16, 2024 

નીટ-યુજી 2024 પરીક્ષાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં વધુ 20 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં સીબીઆઈ અથવા અન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા 5 મે’ના રોજ યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિઓની તપાસની માગણી કરી છે. બીજીબાજુ બિહાર, ગુજરાત, હરિયાણામાં નીટના પેપર લીક થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અને અન્યોને નીટ-યુજી 2024ની પરીક્ષા રદ કરવા અને નવેસરથી પરીક્ષા લેવાનો આદેશ આપવાની માગણી કરતા વધુ 20  વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.


અરજીમાં જણાવાયું છે કે, નીટમાં થયેલી વ્યાપક ગેરરીતિઓ અને કૌભાંડને ધ્યાનમાં રાખતા માત્ર પુન: પરીક્ષા યોજવાથી જ શોર્ટ-લિસ્ટિંગ માટે લાયક વિદ્યાર્થીઓને મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મદદ મળશે. દરમિયાન બિહારના પાટનગર પટનામાં નીટ-યુજી 2024 પેપર લીક મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે. પેપર લીક કૌભાંડની તપાસ કરી રહેલી બિહાર પોલીસની પૂછપરછમાં રાજ્ય સરકારના 56 વર્ષીય જુનિયર એન્જિનિયર સિકંદર કુમાર યાદવેન્દુએ પોતાની ભૂમિકાની કબૂલાત કરી છે.


પોલીસ સૂત્રોએ કહ્યું કે, સિકંદરે ધરપકડ સમયે જ કહી દીધું હતું કે, નીટનું પેપર ફુટી ગયું છે. તેમને વધુ માહિતીઓ મળી રહી છે, જેની તેઓ તપાસ કરશે. પોલીસના જણાવ્યા મુજબ સિકંદરે કહ્યું કે, અમિત અને નીતિશે 4 મે, 2024ના રોજ પેપર મેળવ્યું હતું અને તેમણે ઉમેદવારોને પટનામાં એક સેફ હાઉસમાં એકત્ર કર્યા હતા. અહીં ઉમેદવારોને બધા જ સવાલોના જવાબ ગોખાવવામાં આવ્યા હતા અને પછી સીધા જ પરીક્ષા કેન્દ્ર પર છોડવામાં આવ્યા હતા. બિહાર આર્થિક ગુના એકમ સમક્ષ તેમણે અનેક ખુલાસા કર્યા છે. બીજીબાજુ નાલંદામાંથી પણ અડધા સળગેલા નીટના પેપર મળ્યા હતા, જેમાં અંદાજે 74 સવાલ જોવા મળે છે. બિહાર પોલીસે આ પ્રશ્નપત્રની ખરાઈ ચકાસવા માટે એનટીએને અસલ પ્રશ્નપત્ર મોકલવા જણાવ્યું છે, પરંતુ તેમને હજુ સુધી આ પેપર મળ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application