Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય : શાહી ઈદગાહ મસ્જિદનાં સર્વેની મંજૂરી આપી

  • December 14, 2023 

અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે મંદિરનો સર્વે કરવાની મંજૂરી આપી છે. કોર્ટે ઈદગાહ કમિટી અને વક્ફ બોર્ડની દલીલોને કોર્ટે ફગાવી હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. આ પહેલા હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈને તારીખ 16 નવેમ્બરે પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપ લગાવવામાં આવ્યા હતા કે, ઈદગાહ પાર્ટી ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળના આર્કિટેક્ચર સાથે છેડછાડ કરીને પુરાવાનો નાશ કરી રહી છે. પુરાવાનો નાશ થાય તે પહેલા હાઇકોર્ટમાં જ્ઞાનવાપીની તર્જ પર જન્મ સ્થળનો સર્વે કરવાનો આદેશ કરવા માંગણી કરવામાં આવી હતી.



આ મામલે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, અમે એડવોકેટ કમિશનરની નિમણૂક જાહેર કરી રહ્યા છીએ. જેની કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. જોકે, ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે તે તારીખ 18 ડિસેમ્બરે નક્કી થશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસ મામલે વકીલ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગણી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, ‘અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે.



અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ત્યાં હિંદુ દેવતાઓમાંના એક ‘શેષનાગ’ની છબી પણ છે. તેમણે તેમના જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, મસ્જિદના નીચેના ભાગના થાંભલામાં હિંદુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે એક કમિશનની નિમણૂક કરવામાં આવે. અરજદારોએ અલ્હાબાદ હાઈકોર્ટ પાસે શાહી ઈગાહ મસ્જિદના ASI સર્વેની સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનું નિર્દેશન કરવાની માંગ કરી હતી. વકીલોના દાવા મુજબ વિવાદીત જન્મભૂમિ-ઈદગાહ મામલે તથ્યાત્મક તપાસ કરી તમામ પાસાઓને કોર્ટ સમક્ષ રાખવા જરૂરી છે. તેમજ જસ્ટિસ મયંક કુમાર જૈને સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ તારીખ 16 નવેમ્બરે અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application