ભરૂચનાં બોડેલી તાલુકાના ચલામલી ગામ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ચાલક અને બાઇક પાછળ સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે બોડેલી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાઈક પાછળ સવાર કાશીપુરાના અતુલભાઈની ઈજાઓ વધુ ગંભીર હોય તેમને વડોદરા સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન અતુલભાઈ પંચાલનુ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, બોડેલી તાલુકાનાં ફેરકુવા ગામે રહેતા સંગોડિયાભાઈ હુસકાભાઈ ભીલ (ઉ.વ.45) પોતાની હીરો બાઈક નંબર GJ/34/E/7029 લઈને ફેરકુવાથી ચલામલી ગામે કપાસમાં છાંટવાની દવા લેવા ગયા હતા અને ત્યાં દુકાન ખુલ્લી ન હોવાથી પરત ફેરકુવા નીકળતા ચલામલી ચોકડી પહોંચતા ઉભા રહ્યા હતા. તે સમયે અતુલભાઈ શંકરભાઈ પંચાલ (રહે.કાશીપુરા)ને ફેરકુવા ગામે જવાનું કહેતા સંગોડિયાભાઈની બાઈક પાછળ બેસી ગયા અને બંને બાઈક પર સવાર ચલામલીથી ફેરકુવા ગામે જતા હતા.
તે દરમિયાન ચલામલી પેટ્રોલ પંપ આગળ નાળા પાસે એક સફેદ કલરની કાર નંબર GJ/11/CH/4103નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેથી બાઈક ચાલકને તથા પાછળ સવાર બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે બોડેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક પાછળ સવાર અતુલભાઇ પંચાલને ઈજાઓ વધુ ગંભીર હોય વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે બાઈક ચાલકે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500