ભરૂચનાં વાગરા તાલુકા સ્થિત અંતરિયાળ ચાંચવેલ ગામનાં પેટ્રોલ પંપ ઉપર રાતે એકાદ બે કર્મચારીઓ જ રહેતા હોવાની રેકી કરી હતી. જોકે મોડી રાતે બે બાઇક સવાર બુકાની બાંધી પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. પંપ ઉપર એકજ કર્મચારી હોવાની ખાત્રી થતા બાઇક સવાર બંને શખ્સોએ કર્મચારી સાથે મારામારી કરી પંપનાં કર્મચારીનાં સામે બંદૂક મૂકી લૂંટારૂઓ તેને પંપની ઓફિસમાં લઈ ગયા હતા.
જોકે લૂંટારૂનાં હાથમાં બંદૂક હોવાથી કર્મચારી ખુબ ગભરાઈ ગયો હતો અને ધ્રુજવા લાગ્યો હતો. લૂંટારૂઓએ તેને મારમારી હિન્દી ભાષામાં ઓફિસમાં જેટલા પણ પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું. જેથી ધ્રુજતા હાથે કર્મચારીએ ઓફિસના ટેબલનું ખાણું ખોલી અંદાજિત રૂપિયા 30 હજાર જેટલી રકમ લૂંટારૂઓને સોંપી દીધી હતી. બંને લૂંટારૂઓ પંપના કર્મચારીને ઓફીસમા જ બેસી રહેવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જોકે ડરના કારણે થોડો સમય કર્મચારી ઓફિસના ફ્લોર ઉપર બેસી રહ્યો હતો જયારે લૂંટરૂઓ ફરાર થઇ ગયા હોવાની ખાતરી થતા પંપના સંચાલકને ઘટનાની જાણ કરી હતી.
ત્યારબાદ મોડી રાતે બનાવની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લૂંટની આખી ઘટના CCTV કેમરામાં કેદ થઇ હતી. જેથી CCTV ફૂટેજના આધારે ભરૂચ પોલીસે લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી. જયારે વધુમાં હિન્દીભાષી લૂંટારૂઓ ગુજરાત બહારના છે કે, પોલીસને ગુમરાહ કરવા હિન્દી ભાષામાં પૈસાની માંગણી કરી હતી. તે તમામ બાબતોની હાલમાં તો પોલીસે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું અને આ લૂંટના બનાવ સંદર્ભે વાગરા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરી વાગરા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500