Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરાખ હોસ્પિટલમાં ઓક્સીજનના અભાવના કારણે મહિલાનું મોત

  • April 07, 2021 

બારડોલીમાં કોવિડની સારવાર કરતી તમામ હોસ્પિટલમાં સોમવારના રોજ ઓક્સીજન સપ્લાય બંધ થઈ ગયો હતો. જેને કારણે હોસ્પિટલોમાં ઑક્સીજન પર સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત ગંભીર થઈ ગઈ હતી.

 

 

 

 

તે દરમિયાન મંગળવારના રોજ બારડોલીના ઉમરાખ ખાતે આવેલી ઉમરાખ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલી જ્યોતિબેન મનસુખભાઈ વસાવાનું અચાનક મોત થયું હતું. જ્યોતિબેનનું ઑક્સીજનના અભાવે મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો હોસ્પિટલ પરિસરમાં એકત્રિત થયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

 

 

 

 

કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામે રહેતા જ્યોતિ વસાવાને ગત 1લી એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બારડોલીની ઉમરાખ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ જ્યોતિબેનની સારવાર ચાલી રહી હતી અને સવાર સુધી તેમની સ્થિતિ સામાન્ય હતી. પરંતુ થોડીવારમાં જ તેમની તબિયત લથડી હતી અને ઑક્સીજનની જરૂર પડી હતી. તે સમયે જ ઑક્સીજન ખલાસ થઈ જતાં ઑક્સીજનના અભાવે તેમનું મોત થયું હતું. જ્યોતિના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સગાસંબંધીઑ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બેદરકારીને કારણે મોત થયું હોવાના આરોપ લગાવ્યા હતા.

 

 

 

 

આ ઘટનાની જાણ થતા બારડોલી પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિ મામલો શાંત પાડ્યો હતો. પરિવારજનોએ કહ્યું કે, ઑક્સીજનનો પુરવઠો ખલાસ થઈ જવા છતાં સ્ટાફે કોઈને જાણ કરી ન હતી અને જવાબદાર ડોક્ટર પણ ગેરહાજર હોય પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક મહિલાના ભાઈ રાકેશ વસાવાએ જણાવ્યુ હતું કે, હોસ્પિટલમાં ઑક્સીજનના અભાવે મારી બહેનનું મૃત્યુ થયું છે.

 

 

 

 

 

હોસ્પિટલમાં ડોકટર અને સ્ટાફનો પણ અભાવ છે અને વીજળી જતી રહે તો જનરેટર ઓપરેટરની વ્યવસ્થા પણ નથી. એમ્બ્યુલન્સના ડ્રાઇવર ન હોવાથી અહીં દાખલ દર્દીઓના સગા જાતે એમ્બ્યુલન્સ લઈને ઑક્સીજનના સિલિન્ડર લેવા માટે જાય છે. મારી બહેનની તબિયત બગડી અને ઑક્સીજન ઘટી ગયું છતાં અમને સ્ટાફે જાણ ન કરી. બહેનના મોત માટે હોસ્પિટલ તંત્ર જ જવાબદાર છે.

 

 

 

 

બારડોલી મામલતદાર જીજ્ઞા પરમારે જણાવ્યુ હતું કે, ઉમરાખ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયુ હતું જેમાં પરિવારજનોએ ઓક્સિજનના અભાવે મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હોસ્પિટલની તપાસ કરવામાં આવશે. વહીવટી તંત્રની સમજાવટથી તમામ મામલો શાંત પાડ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ બાબતે પ્રાથમિક રીતે  મળેલી જાણકારી મુજબ તેમની પાસે ફિજીશયન, પીડિયાટ્રિશયન, ઓર્થોપેડિક સર્જન છે પરંતુ જે આક્ષેપો થયા છે તેના આધારે તપાસ કરવામાં આવશે. આ આક્ષેપોને લઈ તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ સોંપવા આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application