બારડોલીના અલ્લુ પાટીયા પાસે રહેતો સંજયભાઈ યાદવ ટ્રક ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા હતા. સંજયભાઈ મુંબઈ જવા નીકળ્યા હતા, તે સમયે તેના 8 વર્ષીય સગીર પુત્રએ મુંબઈ આવવા જીદ કરી હતી. પરંતુ પિતાએ ના પાડતા તેને માઠું લાગી આવ્યું હતું. પિતાના નીકળ્યા બાદ નાદાન પુત્ર સૂર્યપ્રકાશ સવારે 7 વાગ્યાના સમયે ઘરેથી કોઈ ને કશું કહ્યા વગર સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો, પરંતુ મોડી સાંજ સુધી તે પાછો ન ફરતા આસપાસની જગ્યા પર શોધખોળ કર્યા બાદ તેની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસ ફરિયાદ કરતા બારડોલીના પોલીસ ઈન્સપેકટર પી.જે.પંડ્યા એ તાત્કાલિક અલ્લુ ગામની મુલાકાત લઈ તપાસ શરૂ કરતા અલ્લુ ગામના ઈરફાન નામના વ્યક્તિના ઘર પાસે લગાવેલા સીસીટીવી સહીત બારડોલી કસ્તુરી હોટલ, ઉમા ટાવર, સાત્વિક બેકરી સહીત અન્ય 20 જગ્યા પરના સીસીટીવી ચેક કરતા સગીર સૂર્યપ્રકાશ પલસાણા હાઈવે જતો જોવા મળ્યો હતો.
ત્યારબાદ પોલીસે મોડી રાત સુધી બારડોલી પોલીસ મથકના એ.એસ.આઈ. જયદેવ રાણા, પોલીસ કોન્સ્ટેબલ ધનસુખભાઈ સેંતા, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ જોરૂભા સહીત 6 કર્મચારીઓની પોલીસની ટીમ રાત્રીના અંધારામાં શોધખોળ ચાલુ રાખતા ગુમ થયેલો સગીર બાળક પલસાણા બ્રીજ નીચે થાકીને સુઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો, અને ત્યારબાદ બાળકની પૂછપરછમાં પોતાના પિતાએ લઈ જવાની ના પાડતા પોતે એકલો સાઈકલ ઉપર મુંબઈ જવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. બાળકે આ નાદાની અને નાસમજનું પગલું ભર્યું હતું જેના માટે સગીર બાળકને સમજાવી તેની પુરતી સંભાળ લઈ બારડોલી પોલીસ ટીમે બાળકોનો કબ્જો માતાને સોંપતા લાગણીશીલ દ્રશ્ય જોવા મળ્યો હતો.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500