બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી ભારે વાવાઝોડા સાથે અને કરા સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. અનેક તાલુકામાં મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લાનાં અનેક તાલુકામાં અનેક ઘરો તેમજ પશુઓના તબેલાના પતરા સહિત નળિયા પણ ઉડી જવા પામ્યા છે, તો ક્યાંક વૃક્ષો પણ ધરાસાઇ થઈ ગયા છે. ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘાદાટ બિયારણ લાવી મગફળી તેમજ બાજરી જેવા પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને આ હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વાવાઝોડા સાથે અને કરા સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે.
જેને લઈને ખેડૂતોના મોહમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વીજ પોલ ધરાસાઈ થઈ ગયા છે. ડીસા વીજ કંપનીમાં ડીવીજન ઓફિસનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે ડીસા, થરાદ, શિહોરી, પાંથાવાડા, ઝેરડા, રાહ, ધાનેરા, થરા લાખણી વિસ્તારમાં 45 ગામોમાં સિંગલ ફેઝ લાઈન બંધ છે. આ વિસ્તારમાં 290 જેટલા વીજ થાંભલાઓ પડી જવા પામ્યા છે. વીજપોલ પડી જતા ખેતીની લાઈટ અનેક ગામોમાં બંધ છે.
વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે શરૂ થાય તે માટે વીજ પુરવઠો ટીમ કામે લાગી છે. રવિ સિઝન બાદ ઉનાળાની સીઝન પણ આ ભારે વાવાઝોડા અને વરસાદનાં કારણે ખેડૂતોની ફેલ થવા પામી છે. ચાલુ વર્ષે રવિ સિઝનમાં દર માસે વરસાદના કારણે ખેડૂતોની આખી રવિ સિઝન ફેલ થઈ હતી, જેથી ખેડૂતોને ઉનાળું પાકમાં આશા હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેતરમાં ઉભો પાક બગડી જવા પામ્યો છે. હજી જો વરસાદ ન બંધ થાય તો ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે હજી આગામી બે દિવસ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500