દેશની રાજધાની દિલ્હીની સાથે સાથે આર્થિક રાજધાની મુંબઈ પણ ઝેરી પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે. આ બંને રાજ્યોમાં સતત પ્રદૂષણનું સ્તર વધતું જઈ રહ્યું છે. મુંબઈમાં તારીખ 24મી ઓક્ટોબરે એર ક્વોલિટીનો આંકડો 160 AQI પર પહોંચી ગયો છે, જેની અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે અને ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદો વધતી જઈ રહી છે, ત્યારે આ બાબતને ધ્યાને રાખી BMCએ પ્રજા માટે મહત્વની ગાઈડલાઈન બહાર પાડી છે, તો દિલ્હીમાં પણ સતત વધતા પ્રદૂષણ અંગે પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં 13 પ્રદૂષીત હોટસ્પોટમાં એર ક્વોલિટીનું સ્તર 300 AQIને પાર પહોંચી ગયું છે.
મુંબઈમાં પ્રદૂષણ વધવાનું સૌથી મોટું કારણ ટ્રાફિક છે. પર્યાવરણ શાસ્ત્રીઓના મતે રાજ્યમાં કન્સ્ટ્રક્શનના કારણે પણ પ્રદૂષણ સ્તર વધી રહ્યું છે. મુંબઈ સતત ચાલતી કન્સ્ટ્રક્શન કામગીરીના કારણે ધૂળ-માટી વધુ ઉડતી હોય છે. કન્સ્ટક્શન સાઈટ પર વધુ પાણીનો ઉપયોગ ન થતો હોવાથી ધૂળ અને માટી પર્યાવરણમાં ભળી જાય છે, જે પર્યાવરણને ઘણુ નુકસાનકારક છે. મુંબઈમાં વધતા જતા પ્રદૂષણને લઈ BMC પણ ગંભીર બની છે. BMCએ મુંબઈમાં ઘણી જગ્યઆ પર એન્ટી સ્મૉગ ગન અને વૉટર સ્પિંકર્લથી ધૂળ-માટી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. પ્રદૂણણ મુદ્દે BMCએ પ્રજા માટે ગાઈડ લાઈન પણ બહાર પાડી છે.
ગાઈડ લાઈન મુજબ બાંધકામ સ્થળે 35 ફુટ ઊંચી લોખંડની ચાદર લગાવવાનું અને એક એકરથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા બાંધકામ સ્થળે 25 ફુટ ઊંચાઈએ લોખંડની ચાદર બાંધવાનું ફરજીયાત કરાયું છે. ઉપરાંત નિર્માણ પામી રહેલ બિલ્ડિંગોની ચારેકોર લીલા કપડા, જૂટની ચાદર અથવા તાડપત્ર લગાવવાનો આદેશ આપ્યો છે. BMCએ મહત્વના 50થી 60 રસ્તાઓ પર એન્ટી-સ્મોગ ગન ચલાવવાનું આયોજન કર્યું છે. ઉપરાંત જે-તે ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા રિફાઈનરીઓ, પાવર પ્લાન્ટ અને આરસીએફથી થતા પ્રદૂષણની તપાસ કરવાનું પણ આયોજન કર્યું છે.
બાંધકામ સાઈટ પરથી કાટમાળ લઈ જતા તમામ વાહનોને તાડપત્રી શીટથી ઢાંકવા આદેશ આપ્યો છે. ઉપરાંત આવા કોઈપણ વાહનોમાં નિયમ કરતા વધુ વજન ન રાખવાનું પણ જણાવાયું છે. બાંધકામ સ્થળે ઉપયોગમાં લેવાતા અને રસ્તાઓ ઉપર દોડતા તમામ વાહનોના ટાયરો પર લાગેલી ધૂળ ફરજીયાત સાફ કરવા, તેના પર પાણી છાંટવા અને આવા વાહનોને દિવસમાં એકવખત સાફ રાખવાનો/ધોવાનો પણ આદેશ અપાયો છે. જો જે તે વાહનો દ્વારા મુંબઈના રસ્તાઓ અને ફુટપાથો પર કાટમાળ ફેંકાશે તો ભારે દંડ ફટકારાશે અને રજીસ્ટ્રેશન પણ રદ કરાશે. આવા વાહનો પર નજર રાખવા વિશેષ ટુકડી તૈનાત કરાશે. MPCB અને BMC રિફાઈનરીઓ, ટાટા પાવર પ્લાન્ટ અને આરસીએફ દ્વારા વધતા પ્રદૂષણની તપાસ કરવા અને દેખરેખ માટે નિષ્ણાંતોની નિમણૂક કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500