Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપે ભરૂચ બેઠક માટે આદીવાસી નેતા મહેશ વસાવા માટે લાલ જાજમ પાથરી

  • March 03, 2024 

કેજરીવાલે ગુજરાતની 2 બેઠકો માટે દિલ્હી અને હરિયાણાની બેઠકો પર પોતાનો દાવો છોડ્યો છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના ભરોસે કેજરીવાલે આ રિસ્ક લીધું છે પણ ચૈતર વસાવાને આંગળી પકડી રાજકારણ શીખવનાર પર ભાજપ હવે દાવ રમી રહી છે. ચૈતર વસાવા ભલે હાલમાં આપના ધારાસભ્ય કહેવાતા પણ તેઓ પહેલાં બીટીપી પાર્ટીમાં છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટીમાં હતા. ચૈતરે રાજકારણના ગુણ છોટુ વસાવા પાસેથી શીખ્યા છે. બીટીપીના વધતા દબદબા અને પિતા પુત્ર વચ્ચે ડખામાં ચૈતર વસાવાને અલગ ચીલો ચાતરતાં તેઓ આજે આપના ધારાસભ્ય છે. હવે ભાજપે ભરૂચ બેઠક પર એમનો તોડ કાઢી લીધો છે. ભાજપ આદીવાસી નેતા મહેશ વસાવા માટે લાલ જાજમ પાથરી રહી છે જેમાં મહેશ વસાવાના દાવા પ્રમાણે તેમના પિતાની પણ સહમતિ છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક પર 7માંથી 6 સીટો ભાજપ પાસે છે.


જે બેઠક પરથી ચૈતર વસાવા જીત્યા છે એજ બેઠક મહેશ વસાવાનો ગઢ રહી છે. જો મહેશ વસાવા અને ભાજપ એક થાય તો ચૈતર વસાવાને મોટો ઝટકો આપી શકે તેમ છે. 2017માં આ જ બેઠક પરથી મહેશ વસાવા ધારાસભ્ય બન્યા હતા. આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવા અને મહેશ વસાવાનું પ્રભુત્વ છે. આમ ભાજપે ચૈતરને હરાવવા માટે તોડ શોધી લીધો છે. જે આપને ભારે પડી શકે છે. કેજરીવાલે ઈસુદાનના ભરોસે ગુજરાતમાં કોંગ્રેસ સાથે સોદો કર્યો છે. હવે આ સોદો ભારે પડે તેવી સંભાવના છે.  આદિવાસી નેતાની છાપ ધરાવતા છોટુ વસાવાએ મહેશ વસાવાના પિતા છે. જેઓ સાત વખતથી ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જેઓ તેમના પિતા તથા સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા છે.


હવે, તેમના દીકરા મહેશને રાજકીય વારસ માનવામાં આવે છે. ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ, એમઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે. હવે બાપ દીકરો એક સાથે મળીને ભાજપને ટેકો જાહેર કરે તો આદીવાસી બેલ્ટ પર મોટી અસર કરી શકે છે.  2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, છોટુ વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 17 અને વાલિયા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા છે. જ્યારે પુત્ર મહેશ વસાવાની 2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં 15 અને વાલિયા પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં આઠ ગુના નોંધાયેલા હતા.


પિતા-પુત્ર પર હથિયારધારો અને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાના પ્રયાસ) અને 120-બી (ગુનાહિત કાવતરું ઘડવું) જેવી ગંભીર કલમો હેઠળના ગુના પણ નોંધાયેલા છે. પિતા-પુત્રને કોઈ પણ કેસમાં બે વર્ષથી વધુની સજા ન થઈ હોઈ, 'લોક પ્રતિનિધિ ધારા-1951'ની જોગવાઈઓ તેમની ઉપર લાગુ નથી પડતી અને તેઓ ચૂંટણી લડવા માટે ગેરલાયક નથી ઠર્યા. હવે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૈતર વસાવા સામે મોરચો માંડે તો નવાઈ નહીં. લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય.


અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને આકર્ષવા માટે આ વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. દેડિયાપાડાની ગત ચૂંટણી વિશે વાત કરીએ તો 2017માં અહીં ભાજપ કે કોંગ્રેસની BTPના ઉમેદવાર જીત્યા હતા.


બીટીપીના મહેશ વસાવા ગત ટર્મમાં જીત્યા હતા. મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી. 2012માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવા જીત્યા હતા.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડ બેઠક પર 2019માં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. આ બેઠક પર ભાજપે હિતેશ વસાવા પર વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને અને BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ બહાદુરસિંહ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ચૈતર વસાવા વિજેતા થયા હતા. જેઓ હાલમાં આપના લોકસભાના ઉમેદવાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application