કર્ણાટકનાં પાટનગર બેંગલુરૂ સ્થિત 15 જેટલી શાળાઓને શુક્રવારે સવારે ઇ-મેઇલ દ્વારા બોંબથી ઉડાવી મુકવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો. શિક્ષક-શિક્ષિકાઓએ તુરંત જ બાળકોને વર્ગોમાંથી બહાર કાઢી શાળાના પટાંગણમાં લઈ ગયા હતા. સાથે બાળકોનાં માતા-પિતાનો મોબાઈલ દ્વારા સંપર્ક સાધી તેઓને શાળાએ બોલાવી બાળકોને ઘરે લઈ જવા જણાવી દીધું હતું. બીજી તરફ પોલીસનો સંપર્ક સાધી તેને બોલાવવામાં આવી હતી. તેનો બોંબ સ્કવોડ પણ પહોંચી ગયો હતો. આ બોંબ સ્ક્વોડે શાળાના ખૂણે ખાંચરે પણ સેન્સર્સ દ્વારા બોંબની તપાસ હાથ ધરી હતી.
પરંતુ તેમાં કશું નક્કર જાણવા ન મળતાં, પોલીસે અનુમાન બાંધ્યું કે, તે કદાચ પોકળ-ધમકી (હોક્સ) હોઈ શકે આમ છતાં શાળાના શિક્ષક-શિક્ષિકાઓ કે હેડમાસ્ટર કોઇ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર ન હતાં. આ પછી એક વરિષ્ટ પોલીસ અધિકારીએ મીડીયાને જણાવ્યું હતું કે, શાળાઓમાં વિસ્ફોટક પદાર્થો રખાયા છે તેવો ધમકી ભર્યો ઇ-મેઇલ આવતાં અમે બોંબ સ્ક્વોડ સાથેની ટુકડીઓ રવાના કરી દીધી હતી. પરંતુ કશું ભયજનક મળી આવ્યું ન હતું. તેથી તે પોકળ ધમકી હોવાની શક્યતા છે.
આ ધમકી ભર્યો ઇ-મેઇલ મોકલનારની તપાસ હાથ ધરાઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી ડો.જી.પરમેશ્વરએ મીડીયાને જણાવ્યું હતું કે, અમોને શહેરની 15 શાળાઓમાં બોંબ મુકાયા હોવાના ઇ-મેઇલની માહિતી મળતા યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કશું ભયાવહ મળી આવ્યું નથી. છતાં અમે સાવચેત છીએ. ગૃહમંત્રીના નિવાસની સામેની બાજુએ આવેલી શાળાને પણ આ ધમકી મળી હતી. તેથી ગૃહમંત્રી પોતે તે શાળામાં તપાસ ટુકડી સાથે પહોંચી ગયા હતા. પરંતુ કશું ભયાવહ મળ્યું ન હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500