સંઘપ્રદેશ દમણનાં ખારીવાડમાંથી એક ફ્લેટમાં ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે મૃતક સંજીવ બેનરજીની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. બનાવની વિગત એવી છે કે, દમણનાં ખારીવાડ વિસ્તારમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટનાં સાતમા માળે એક ફ્લેટમાં રહેતા સંજીવ બેનરજીનો ફ્લેટમાં થોડા દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અડધી રાત્રે ફ્લેટમાંથી બિલ્ડીંગમાં પાણી ટપકી રહ્યું હતું. લાંબા સમય સુધી પાણી નીકળતા બિલ્ડીંગનો વોચમેન ફ્લેટ પર જઈ અને પાણી અંગે પૂછતા ફ્લેટમાં રહેતા મમતા બેનરજી નામની મહિલાની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી.
જયારે બીજા દિવસે મહિલાએ પોલીસ સ્ટેશને જઈને ફ્લેટમાં પતિના મોત અંગે જાણ કરી હતી. આથી પત્ની મમતા બેનરજીને સાથે રાખી પોલીસની ટીમ ફ્લેટ પર પહોંચી હતી અને તપાસ કરતા ફ્લેટમાં અસહ્ય દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. આથી પોલીસે મૃતદેહનો કબ્જો લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મૃતકનાં શરીર પર ઈજાના અનેક નિશાન હતા. આથી મૃતકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે મૃતકની પત્નીના નિવેદન અને પડોશીઓનાં નિવેદનના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મોતનું સાચું કારણ જાણવા દમણ પોલીસે મૃતદેહનાં પેનલ પોસ્ટમોર્ટમ કરી અને એફ.એસ.એલ.ની મદદથી તપાસ શરૂ કરી હતી. જયારે આ મામલે શરૂઆતથી જ મૃતકની પત્નીની વર્તણૂક અને ભૂમિકા શંકાસ્પદ લાગી રહી હતી. સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃતક સંજીવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે શંકાસ્પદ લાગી રહેલી મૃતકની પત્ની મમતા બેનરજીની પૂછપરછ હાથ ધરી હતી. આખરે આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સંજીવ બેનર્જીની હત્યા કોઈ અન્ય એ નહીં, પરંતુ તેની જ પત્ની મમતા બેનર્જીએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી પોલીસે આરોપી પત્ની મમતા બેનર્જીની ધરપકડ કરી છે.
પત્નીએ કાચની બોટલ વડે પતિ પર હુમલો કરી તેની હત્યા કરી...
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક સંજીવ બેનર્જીના પત્ની મમતા બેનર્જી સાથે ત્રીજા લગ્ન હતા. અગાઉ પણ બે પત્નીઓ હતી અને આ મમતા ત્રીજી પત્ની હતી. આથી પતિ પત્ની વચ્ચે અવારનવાર આ બાબતને લઈને ઝઘડા થતા હતા. આથી બનાવના દિવસે પણ પત્ની અને પતિ વચ્ચે ઝઘડા થયો હતો. આથી પત્નીએ કાચની બોટલ વડે પતિ પર હુમલો કરી અને તેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પત્ની જ પતિની હત્યારી બની હતી. આથી પત્નીની ધરપકડ થઈ છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે મૃતક સંજીવ અને મમતા બેનરજીના લગ્ન જીવનમાં તેમને બે પુત્રીઓ હતી. જેમાંથી એક પુત્રી 3 વર્ષની અને નાની નવજાત પુત્રી માત્ર 14 દિવસની જ છે. આથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પિતાની હત્યા માટે માતાની પણ ધરપકડ થતાં બંને માસુમ બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500