કલોલ નગરપાલિકા વિસ્તારમાં એકસાથે 11 કોલેરાનાં દર્દીઓ મળી આવતાં જિલ્લા કલેકટર દ્વારા જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્કનાં બે કિલોમીટરનો વિસ્તારને સત્તાવાર રીતે કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. કલોલ શહેરી વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસોથી દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી હતી. થોડા દિવસ અગાઉ પાંચ હાટડી બજાર વિસ્તારમાં છૂટાછવાયા ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા હતા. આ મામલે કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા પાંચેક દિવસ સુધી લીકેજ શોધવા માટે જહેમત ઉઠાવી હતી.
ત્યારે ગટર અને પીવાના પાણીની લાઇન એક સાથે જતી ચેમ્બરની લાઈનમાં ભંગાણ હોવાનું સામે આવ્યું હતું.તંત્ર દ્વારા મહામુસીબતે રીપેરીંગ કરાતાં વસાહતીઓ એ રાહત અનુભવી હતી. છેલ્લા પંદરેક દિવસથી જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્ક વિસ્તારોમાં પણ ઝાડા ઉલ્ટી તેમજ તાવના દર્દીઓ મળી આવવાની શરૂઆત થઈ હતી. તેમ છતાં કલોલ નગરપાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ ગાઢ નિંદ્રામાં હતાં. એકસાથે 11 દર્દીઓ કોલેરાની બીમારીમાં સપડાતા નવ દર્દીને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર હિતેશ કોયા દ્વારા કલોલનાં જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્કનાં બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. સવારથી કલોલ પ્રાંત, મામલતદાર સહિત આરોગ્ય ટીમ દ્વારા અત્રેના વિસ્તારોમાં ધામા નાખવામાં આવ્યા છે. અહીં ઘરે ઘરે સઘન સર્વેલન્સ હાથ ધરી તાવ તેમજ ઝાડા ઉલ્ટીના દર્દીઓને જરૂરી દવા પણ વિતરણ કરાઈ રહી છે.
ગત વર્ષે કલોલ શહેરનાં રેલવે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા પિતા-પુત્ર અને એક બાળકી સહિત ત્રણ વ્યક્તિનાં મોત થયા હતા. તંત્રએ લિકેઝ પાઇપલાઇન રિપેર નહીં કરાવતાં 100થી વધુ લોકો ઝાડા-ઉલ્ટીમાં સપડાયાં હતાં. જેનાં પગલે બે કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવો પડ્યો હતો. ત્યારે હવે ફરી કોલેરાનાં કેસોમાં ઉછાળો આવતાં કલોલની પ્રજામાં ડર ફેલાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500