બિહારના કટિહાર જિલ્લામાં રોષે ભરાયેલ ટોળાએ દંડખોરા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે, જેમાં પાંચ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ટોળું એક આરોપીને છોડાવવા આવ્યું હતું, ત્યારબાદ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો છે. પોલીસે પણ ભીડને વિખેરવા આત્મરક્ષા માટે ફાયરિંગ કરવું પડ્યું છે. ઘટના બાદ પોલીસને કાફલો ખડકી દેવાયો છે અને મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. કટિહારના એસપી વૈભવ શર્માએ કહ્યું કે, ‘શુક્રવારે મોડી રાત્રે દંડખોર પોલીસ સ્ટેશન પર ટોળું આવ્યું હતું.
ટોળાએ દારુબંધી કાયદાના ઉલ્લંઘનમાં કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. ટોળું પોલીસ સ્ટેશનના પરિસરમાં ઘૂસી ગયું હતું અને ડ્યુટી પર હાજર પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પાંચ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. એસપીએ કહ્યું કે, ‘પોલીસ કર્મચારીઓને ટોળાને વિખેરવા માટે આત્મરક્ષણમાં ફાયરિંગ કર્યું છે. ટોળું લોકઅપમાં બંધ વ્યક્તિને છોડાવી શકી નથી. આ મામલામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતી ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વર્ષ 2016માં બિહારમાં દારુના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો હતો. ગયા મહિને બિહારના ગયામાં આવી જ ઘટના બની હતી. કેટલાક લોકોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ઘાયલમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ હતી. પરૈયા પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રમોદ કુમારે કહ્યું હતું કે, કેટલાક લોકો દ્વારા એક વ્યક્તિને બંધક બનાવાયો હતો, જેને પોલીસ છોડાવવામાં ગઈ હતી. જોકે ભારે વિવાદ છતાં પોલીસ બંધકને છોડાવવામાં સફળ થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500