Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે હરિયાણા સરકારે પોતાના રાજ્યમાં પરાળી સળગાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી

  • October 23, 2024 

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે હરિયાણા સરકારે પોતાના રાજ્યમાં પરાળી સળગાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હરિયાણાના કૃષિ વિભાગે આ મામલે બેદરકારી બદલ અલગ-અલગ જિલ્લામાં તહેનાત 24 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં પરાળી સળગાવવાની ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર અને ડેપ્યુટી ડાયરેક્ટર પાસેથી મળેલી ભલામણોના આધારે સરકારે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત હરિયાણા સરકારે છેલ્લા થોડા દિવસોમાં કૈથલ જિલ્લામાં ખેતરમાં પરાળી સળગાવવાના આરોપમાં 18 ખેડૂતોની ધરપકડ કરી છે.


દિલ્હીમાં ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન પ્રદૂષણનું સ્તર વધવા માટે હરિયાણા અને પાડોસી પંજાબમાં પરાળી સળગાવવાને જવાબદાર ઠેરવવામાં આવે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં 18 ખેડૂતોની પરાળી સળગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા કારણ કે આ જામીનપાત્ર ગુનો છે. હરિયાણાના કૈથલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક બીરભાને જણાવ્યું કે, વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ પરાળી સળગાવવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે.


પાનીપત, યમુનાનગર અને અંબાલા સહિત કેટલાક અન્ય જિલ્લાઓમાં પણ પરાળી સળગાવવા બદલ તાજેતરમાં જ FIR નોંધવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડાંગરના કાપણી બાદ ખેડૂતો મોટા પાયે ખેતરોમાં પરાળી સળગાવી દે છે, જેથી ખેતરોને આગામી પાક માટે તૈયાર કરી શકાય. પરંતુ તેના કારણે મોટા પાયે વાયુ પ્રદૂષણ થાય છે. પંજાબ-હરિયાણાના ખેતરોમાંથી નીકળતો આ ધુમાડો દિલ્હી-એનસીઆર સુધી પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય પરિબળ છે. હરિયાણાના મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે રવિવારે ડેપ્યુટી કમિશનરોને એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો કે, પરાળી સળગાવવાની ઘટનાઓને અસરકારક રીતે કાબૂમાં લેવામાં આવે. સુપ્રીમ કોર્ટે બુધવારે હરિયાણા અને પંજાબની સરકારોને પરાળીને સળગાવવાના કેસમાં ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી ન કરવા બદલ ફટકાર લગાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application