અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડયો છે. જેમાં કોઇ અધિકારી રજા પર જાય તો તેમના ઇન્ચાર્જ તરીકે રહેલા સિનિયર અધિકારીએ માત્ર એ પોસ્ટ પર રૂટિન કામગીરી જ કરવાની રહેશે. સાથે સાથે બદલી, બઢતી, ખાતાકીય કે નીતિ વિષયક નિર્ણય લઇ શકાશે નહી. તેમ છતાંય, કેટલાંક સંજોગોમાં જો નિર્ણય લેવાની ફરજ પડશે. તો ચોક્કસ કારણ પણ જણાવવા પડશે. આમ, હવે ઇન્ચાર્જ અધિકારીઓને પરિપત્રનું કડકાઇથી પાલન કરવું પડશે.
પોલીસ વિભાગ કે અન્ય ખાતાઓમાં નિયમ હોય છે કે કોઇ અધિકારી રજા પર જાય તો તેમનો ચાર્જ સત્તાવાર રીતે અન્ય અધિકારીને સોંપવામાં આવે છે. જેમાં કેટલાંક અધિકારીઓ ઇન્ચાર્જ હોવા છતાંય, કેટલાક નિર્ણયો લઇ લેતા હોવાથી વિવાદ થયા હતા. અમદાવાદમાં એક સિનિયર આઇ.પી.એસ. અધિકારી રજા પર ગયા ત્યારે તેમના ઇન્ચાર્જ અધિકારીએ રૂટિન કામગીરી કરવાની સાથે મોટાપાયે બદલીના આદેશ આપ્યા હતા.
જેના કારણે મોટાપાયે વિવાદ થયો હતો અને ઇન્ચાર્જ અધિકારી પર ગંભીર આક્ષેપ કરાયા હતા. જે વાત દિલ્હી સુધી પહોંચી હતી. આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે માટે પોલીસ કમિશનર જી.એસ.મલિકે એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ઇન્ચાર્જ અધિકારીને જવાબદારી દરમિયાન કેટલાંક નિર્ણયો ન લેવા માટે સુચના આપવામાં આવી છે. જેમ કે ઇન્ચાર્જ અધિકારી કોઇ સ્ટાફની બદલી કે બઢતી કરી શકશે નહી, તપાસની ફાઇલ જરૂર વિના ઉપરની કચેરીએ મોકલી શકશે નહી, કોઇ પણ પ્રકારની ખાતાકીય તપાસ કે પ્રાથમિક તપાસ પર નિર્ણય લઇ નહી શકે તેમજ કોઇપણ કર્મચારીને ઇનામ કે સજાની જાહેરાત નહી કરી શકે. તેમ છતાંય, જો કોઇ સંજોગોમાં મહત્વના નિર્ણય લેવાની ફરજ પડે તો ચોક્કસ કારણ જણાવવું પડશે. આમ, પોલીસ કમિશનરના નવા પરિપત્રને કારણે ઇન્ચાર્જ અધિકારીઓને માત્ર રૂટિન કામગીરી કરવાની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500