Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ બાદ જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા અને આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગણી કરી

  • August 11, 2024 

કોલકાતામાં એક ટ્રેની મહિલા ડોક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ બેરહમીથી હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. જેમાં ૩૧ વર્ષીય મૃતકના પીએમ રિપોર્ટના આધારે પોલીસે જણાવ્યું હતું કે, હત્યા પહેલા મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુઝારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે કોલકાતામાં જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે અને આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગણી કરી હતી. મેડિકલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી આ ટ્રેની ડોક્ટર રાત્રે બે વાગ્યા સુધી ડયુટી પર હતી, તે ભોજન લીધા બાદ હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમાં વાંચન માટે ગઇ હતી, બીજા દિવસે સવારે તે આ હોલમાં જ બેભાન અવસ્થામાં પડી હતી. તાત્કાલીક તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી.


જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કોલકાતાના પોલીસ કમિશનર વીનિત કુમાર ગોયલે મીડિયાને જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાના ગાલ, ચહેરો, નાક, પેટ, આંગળીઓ અને ઘૂંટણ તેમજ પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓના નિશાન છે. આ સમગ્ર ઘટના કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સામે આવી છે. આ તેમજ અન્ય હોસ્પિટલોના તમામ ડોક્ટરો ધરણા પર બેસી ગયા હતા અને કાયદો વ્યવસ્થાને લઇને સુત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટરોએ કહ્યું હતું કે, સુરક્ષા નહીં તો કામ પણ નહીં કરીએ. એક જુનિયર ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. તમામ હોસ્ટેલમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.


બીજી તરફ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે સંજોય રોય નામના એક શખ્સની ધરપકડ કરી છે. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. આરોપીની સામે નવા કાયદા બીએનએસ હેઠળ ૧૦૩ (હત્યા) અને ૬૪ (રેપ)ની કલમો લગાવવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો જ્યાં તેને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હોસ્પિટલ બહારનો છે અને હોસ્પિટલમાં તમામ વિભાગોમાં ખુલ્લેઆમ ફરતો હતો. દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, આરોપીને બક્ષવામાં નહીં આવે, અમે ફાંસીની સજાની માંગણી કરીશું સાથે જ સમગ્ર તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જોકે આ ઘટનાને લઇને હાલ બંગાળનું રાજકારણ ગરમાયું છે અને વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application