દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે, તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ મેઘરાજા મનમુકીને વરસીરહ્યા છે. હવામાન વિભાગે વરસાદ અંગે નવું અપડેટ જારી કર્યું છે. IMDની આગાહી મુજબ તારીખ 16 અને 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જેમાં ઠાણે, પાલઘર, રાયગઢ અને ધુલે જિલ્લો પણ સામેલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી-એનસીઆરમાં શનિવાર અને રવિવારે ઝડપી પવન સાથે વરસાદ સતત પડી શકે છે.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 25 અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે. નવી દિલ્હીમાં સોમવારે અને મંગળવારે પણ સામાન્ય વરસાદ અથવા છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભોપાલ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના અનુપપુર, શહડોલ, ઉમરિયા, કટની, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, રાયસેન, નર્મદાપુરમ, બૈતુલ તથા બુરહાનપુર જિલ્લાના કેટલાક ભાગોમાં આગામી 24 કલાક મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે ઉપરાંત 24 કલાકમાં 204 મિલીમીટર વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
એટલે આ જિલ્લાઓમાં પાણી ભરાવાની અને પુર જેવી સ્થિતિ બની શકે છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.સોમા સેન રોયે કહ્યું કે, આવતીકાલે લૉ પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદની સંભાવના નથી. ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્ર માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500