વાપીનાં કસ્ટમ રોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એકસાઈઝ કચેરીમાં (જીએસટી ભવન) સીજીએસટીના ઇન્સ્પેક્ટરને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 40 હજારની લાંચ લેતા પકડી પાડતા ચકચાર મચી ગઇ હતી. લાંચિયા ઇન્સ્પેક્ટરે બિલ્ડરને ટેક્સ અંગે આપેલી નોટીસનો નિકાલ કરવા નાણાંની માંગણી કરતા એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. એસીબીએ બે મહિના અગાઉ વાપી પી.એફ.ના આસિ.કમિશ્નર સહિત બેને રૂપિયા 5 લાખની લાંચ લેતા પકડી પાડયા હતા. એસીબી સૂત્રો પાસેથી મળતિ માહિતિ અનુસાર વાપી ખાતે રહેતા અને ભાગીદારીમાં કન્સ્ટ્રકશન કંપની ચલાવતા બિલ્ડરે વર્ષ 2020-21નો સેન્ટ્રલ જીએસટી તથા સ્ટેટ જીએસટી ટેક્સ ભર્યો હોવા છતાં સીજીએસટી અને સેન્ટ્રલ એકસાઈઝના પોર્ટલ પર બિલ્ડરને ટેક્સ ભરવા અંગે નોટીસ આપવામાં આવી હતી.
આ મામલે બિલ્ડરે જીએસટી ભવન ખાતે જઈ સીજીએસટીના ઈન્સ્પેકટર યશવંત રાજેન્દ્ર ગેહલોતે નોટીસનો નિકાલ કરવા નાણાંની માંગણી કરી હતી. વાતચીત દરમિયાન રૂપિયા 40 હજાર નક્કી કરાયા હતા. જણાવી દઈએ કે, સીજીએસટીમાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં યશવંત રાજેન્દ્ર ગેહલોતનો પગાર 75 હજાર રૂપિયા હતો. ઈન્સ્પેકટરે નાણાંની માંગણી કરતા બિલ્ડરે લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરતા વલસાડ એસીબીના પીઆઈ એસ.એન.ગોહિલ અને ટીમે બુધવારે છટકુ ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી બિલ્ડર જીએસટી ભવન ખાતે પહોંચી ઈન્સ્પેકટર યશવંત ગેહલોતને ઓફિસમાં જ રૂપિયા 40 હજાર આપ્યા બાદ તુરંત જ એસીબીની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી. એસીબીએ લાંચીયા ઈન્સ્પેકટરની ધરપકડ કરી કાર્યવાહી આદરી હતી. અત્રે નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બર 2024માં વાપી સ્થિત પીએફ કચેરીના આસિ.કમિશ્નર હર્ષદકુમાર પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમર વાપી ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન કંપની ચલાવતા બિલ્ડરને કેસ ઝડપથી પતાવવા અને દંડની રકમ ઓછી કરવા માટે રૂ.10 લાખની માંગણી કરતા એસીબીને કરાયેલી ફરિયાદ બાદ ગોઠવેલા છટકામાં બંને અધિકારીને રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application