છત્તીસગઢનાં કવર્ધા જિલ્લાનાં કુકદુરમાં ભયાનક અકસ્માત થયો છે, જેમાં 25થી 30 લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા 18 લોકોના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ બૈગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે પિકઅપ વાન બાહપાની પાસે એક ખીણમાં ખાબકી જતા આ અકસ્માત સર્જાયો છે. આ તમામ લોકો કુઈના રહેવાસી હોવાનું કહેવાય છે. હાલ અકસ્માત સ્થળો પોલીસની ટીમ અને ઘણી એમ્બ્યુલન્સ વાન પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી રહી છે. આ મામલે કવર્ધાના પોલીસ અધિક્ષક પલ્લવે કહ્યું કે, મૃતકોમાં 14 મહિલાઓ સામેલ છે.
જ્યારે અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ‘આ અકસ્માત કુકદૂર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામમાં સર્જાયો છે. તેમણે કહ્યું કે, કુઈ ગામમાં રહેતા લોકો તેંદુના પાન તોડવા ગયા હતા. જ્યારે તેઓ પિકઅપ વાનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની વાન બાહપાની ગામ નજીક એક ખીણમાં ખાબકી ગઈ હતી. અધિકારીઓએ કહ્યું કે, ‘અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સની ટીમ પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી રહી છે, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.
અકસ્માતની ઘટનાની જાણ થતાં જ છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘કબીરધામ જિલ્લાના કુકદૂર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામ પાસે એક પીકઅપ વાન પલટી જતાં 18 ગ્રામજનોના મોત થયા હોવાના અને ચારને ઈજા થઈ હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર આપવા માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ અપાઈ છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500