Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાનાં પારડી ખાતે મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

  • April 18, 2023 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને ૧૦-૧૦ ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, એમ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાના પારડીમાં મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કહ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું જે ઉત્પાદન થશે તેના વેચાણ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ખેડૂતો માટે બજારની વ્યવસ્થા કરશે, જ્યાં સપ્તાહના દર ગુરૂવાર અને રવિવારે ખેડૂતો પ્રાકૃતિક ખેતપેદાશ વેચી શકશે.






ખેતપેદાશ વેચનારને સરકારના બે અધિકૃત ટ્રેનર દ્વારા સર્ટિફિકેટ અપાશે, કે તેઓ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો છે અને ઝેરમુક્ત ખેતી કરે છે. તાલીમ આપનાર ખેડૂતોને સરકાર દ્વારા માનદ્ વેતન પણ ચૂકવાશે. આના થકી રાજ્યમાં મોટુ નેટર્વક ઉભુ થશે, જે અભિયાન રૂપે કામ કરશે. પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવથી ખેડૂતોને નવી દિશા આપનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૩ વર્ષથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યના સાડા ચાર લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આ અભિયાનને જન આંદોલન તરીકે આગળ વધારવાનું છે. વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. વલસાડ જિલ્લો ખેતીવાડીથી સમૃધ્ધ છે. અહીંના ખેડૂતો સમગ્ર વિશ્વને મીઠી મધુર કેરી ખવડાવે છે.






રાસાયણિક ખાતરથી જમીન અને ખેતીના પાકને તેમજ પ્રજાના આરોગ્યને થઈ રહેલા નુકસાન અંગે રાજયપાલશ્રીએ જણાવ્યું કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર ૨૪ ટકા જવાબદાર છે. જમીન વેરાન અને બિનઉપજાઉ બની રહી છે. છેલ્લા વર્ષે જાહેર થયેલા ભારતના ઓર્ગેનિક કાર્બન રિપોર્ટમાં દેશની જમીનમાં ૦.૩-૦.૪થી નીચે ઑર્ગેનિક કાર્બનનું પ્રમાણ જોવા મળ્યું છે જે પહેલાં ૨.૫ થી ૫ ટકા હતું. છેલ્લા ૩ વર્ષથી જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ પોતાની જમીનના ઓર્ગેનિક કાર્બન ચેક કરાવશે તો ૧ થી ૧.૫ ટકા વધ્યું હોવાનું જોવા મળશે. રાસાયણિક ખાતરનો આમ જ ઉપયોગ થતો રહેશે તો આગામી ૫૦ વર્ષમાં ખેતીની જમીન આપણા ઘરના ફર્શ જેવી થઈ જશે કે જેના પર કંઈ ઉગાડી નહીં શકાય. ખેતરમાં રાસાયણિક ખાતર નાંખવાથી જમીન, મનુષ્ય અને પ્રાણીઓને પણ કેન્સર થઈ રહ્યું છે.






લોકોને પણ રાસાયણિક ખાતરથી થતી ખેત પેદાશથી ૩ ઘણી વધારે ઝડપથી કેન્સર, હાર્ટએટેક, કીડની ફેઈલ્યોરના અને ચર્મરોગો થઈ રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. ૪૦-૫૦ વર્ષ પહેલાં લોકો આવી બિમારીને જાણતા પણ ન હતા પરંતુ હવે ઘરે ઘરે આ બિમારીઓ જોવા મળી રહી છે. રાસાયણિક ખાતરમાં ૫૦ ટકા મીઠુ (નમક) હોય છે જે જમીનને પથ્થર બનાવે છે. જેના કારણે વરસાદમાં જમીન પાણી પી શકે નહી, જેની અસર છોડ પર પડશે, તે જડને મજબૂત પકડી નહીં શકે. જો જમીનને ફરી ઉપજાઉ બનાવવી હોય તો પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ સિધ્ધાંતો અને અળસિયાનું મહત્વ સમજાવ્યાં હતાં.






રાજયપાલએ ઉમેર્યુ કે, પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ભરપૂર માત્રામાં હોય છે. જેના થકી પાણી જમીનમાં ઉતરે છે. જમીનને ઉપજાઉ અને સક્ષમ બનાવવાનું કામ અળસિયા કરે છે. જેઓ જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ વધારે છે. જેટલા અળસિયા વધારે હશે એટલી જમીન ફળદ્રુપ બનશે. પરંતુ રાસાયણિક ખેતીથી અળસિયા અને જમીનને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ તેમજ ઓર્ગેનિક કાર્બન વધારવામાં મદદરૂપ થતા તત્વોનો પણ નાશ થાય છે. પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયના ગૌમૂત્રથી ૩૦ એકર જમીન પર સમૃધ્ધ ખેતી થઈ શકે છે. કારણ કે, ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે. જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને ખેતીને સમૃધ્ધ બનાવે છે.






જંગલની જમીનમાં કોઈ હળ કે ટ્રેકટર ચલાવતું નથી કે રાસાયણિક ખાતર નાંખતા નથી છતાં વૃક્ષો ફળોથી ભરેલા રહે છે. પ્રકૃતિ – પરમાત્મા જંગલના તમામ વૃક્ષોની જરૂરિયાતોની પૂર્તિ કરે છે. પ્રાકૃતિક ખેતી જીવન આપવાનું કામ કરે છે. ખેડૂતોનું કલ્યાણ કરે છે સાથે આત્માનું પણ કલ્યાણ કરે છે. લોકોને સ્વસ્થ જીવન આપે છે, એમ કહીને રાજ્યપાલશ્રીએ ગુરૂદક્ષિણામાં તમામ ખેડૂતોને શરૂઆતના તબક્કામાં જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજયપાલશ્રીને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું ત્યારબાદ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના ૧૦ સ્ટોલ્સનું નિરિક્ષણ કરી ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલેટ્સ ટ્રેથી સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લામાં ૧૬,૨૬૭ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેઓની ખેત પેદાશના વેચાણ માટે સાપ્તાહિક બજાર પણ ભરાય છે.






આભારવિધિ પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચેપલોતે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈએ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાજુના ફળની સૂક્ષ્મ માહિતી મેળવી પ્રાકૃતિક ખેતીના સ્ટોલ્સની મુલાકાત વેળા બાગાયત ખાતાના સ્ટોલ પર કાજુના ફળને જોઈને રાજયપાલશ્રીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે સ્ટોલ પર હાજર વલસાડ જિલ્લા બાગાયત ખાતાના નાયબ નિયામક નિકુંજ પટેલ સાથે વાતચીત કરી કાજુ વિશે પૂછ્યું કે, આ ફળ અહીં થાય છે કે કેમ? જેના જવાબમાં અધિકારીશ્રીએ કહ્યું કે, ધરમપુર અને કપરાડા તાલુકામાં ૪૦૦૦ હેકટર જમીનમાં કાજુની ખેતી થાય છે. વધુમાં રાજ્યપાલશ્રીએ કાજુના ફળના ઉપયોગ અને તેની નિકાસ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રાકૃતિક ખેતીથી પોતાને તેમજ લોકોને પણ ઝેરમુક્ત કર્યાનો આનંદ : ખેડૂત નીતાબેન પટેલ વલસાડ તાલુકાના ઓલગામ ગામના ખેડૂત નીતાબેન પટેલે પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના અનુભવ વિશે કહ્યું કે, હું છેલ્લા ૧૫ વર્ષથી ખેતી કરુ છું.






પરંતુ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ જાણવા મળ્યું કે, રાસાયણિક ખાતરથી થયેલી ખેતીના પાકથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત મેં કિચન ગાર્ડનથી કરી હતી. હાલમાં એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરુ છું. જેની પેદાશોને વેચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું. લોકો ઘરે ખરીદી માટે આવે છે. પ્રાકૃતિક ખેતી કરી પોતાને અને લોકોને પણ ઝેરમુક્ત કર્યાનો આનંદ છે. દુનિયા ગમે તેટલી આધુનિક થશે પણ અનાજ તો ખેતરમાં જ પાકશે એમ કહી સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી મિશન તરીકે કેવી રીતે હાથ ધરાશે તેની વિસ્તૃત માહિતી આપતા રાજયપાલશ્રી સમગ્ર ગુજરાતને ૧૦-૧૦ ગામના સમૂહમાં વહેંચી દેવાશે. હાલમાં એવુ એક પણ ગામ નથી કે, જ્યાં પ્રાકૃતિક ખેતી થતી ન હોય.






જે ખેડૂતો બીજા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના ફાયદા સમજાવશે. જે માટે ખેડૂતને ટ્રેનર તરીકે પ્રતિદિન માનદ્ વેતન મળશે. તેની સાથે આત્મા પ્રોજેક્ટના એક અધિકારી હશે. જેઓ ગામડે ગામડે ફરી સરકાર તરફથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની નિઃશૂલ્ક તાલીમ આપશે. ૧૦ ગામનું રજિસ્ટર બનશે, જેમાં ખેડૂતનું નામ અને ફોન નંબર હશે. બંને ટ્રેનરોએ તાલીમનો વીડિયો બનાવી ઉપરી અધિકારીને મોકલવાનો રહેશે. ત્યારબાદ જે ઉત્પાદન થશે તેના વેચાણ માટે બજાર પણ બનશે. સાથે સાથે તાલુકા અને જિલ્લા લેવલે પણ માર્કેટ ઉભું કરાશે. જેથી વેચાણમાં તકલીફ પડશે નહીં. આ બજારમાં વેચાનાર ખેત પેદાશ પ્રાકૃતિક ખેતીની જ છે કે કેમ તે ચેક કરવા માટે બંને ટ્રેનરો વેચાણકર્તા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરનારા જ છે કે કેમ તેની ચકાસણી કરી સર્ટિફિકેટ આપશે. આ રીતે પધ્ધતિસર આખી સિસ્ટમ ગુજરાતભરમાં કાર્યરત કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application