Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લા કલકેટરના અધ્યક્ષસ્થાને જિલ્લા રોગચાળા અને સંકલન સમિતિની બેઠક મળી

  • June 30, 2023 

ડોગ બાઈટ- એનિમલ બાઈટના કેસમાં ત્વરિત સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાક સેન્ટર ચાલુ કરાયુ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા.૨૮ જૂનના રોજ બુધવારે સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા રોગચાળા અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલકેટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા થયેલી કામગીરી અને આગામી દિવસોમાં થનારી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની બેઠક અને તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા સ્ટીયરીંગ કમિટીની બેઠક પણ મળી હતી. જેમાં કલેકટર દ્વારા પ્રજાના આરોગ્યને લઈને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા.


આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીની પણ ઉપસ્થિત રહ્યા હતા. સંચારી રોગચાળાની બેઠકમાં તાવ, ઝાડા, મરડો, ટાઈફોઈડ અને ડોગ બાઈટ-એનિમલ બાઈટના કેસ અંગે જૂન ૨૦૨૨થી મે ૨૦૨૩ના ૧૨ માસના કેસોની સામે છેલ્લા ૩ માસ માર્ચથી મે ૨૦૨૩ની સરખામણી કરવામાં આવી હતી. ખાસ કરીને ડોગ બાઈટ- એનિમલ બાઈટના કેસમાં ત્વરિત સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાક સેન્ટર પણ ચાલુ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું હતું. લેપ્ટોસ્પાઈરોસીસના માત્ર ૨ કેસ ગત વર્ષ ૨૦૨૨માં જોવા મળ્યા હતા તે અંગે ચર્ચા કરી આ વર્ષે ઝીરો કેસ રહે તે મુજબ કામગીરી કરવા માટે કલેકટરએ સૂચન કર્યું હતું.


આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ રોગને અટકાવવા માટે કીમોપ્રોફીલેક્સીસ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની આંકડાકીય માહિતી તાલુકા વાઈઝ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ દ્વારા આપવામાં આવી હતી. એન્ટીરોડન્ટ એક્ટિવીટી, શિરો સર્વેલન્સ રીપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા ૫ વર્ષમાં વલસાડ જિલ્લામાં નોંધાયેલા સિઝનલ ફ્લુ (એચ૧એન૧)ની તાલુકા વાઈઝ ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭માં જિલ્લામાં સિઝનલ ફ્લુના ૩૧ પોઝિટિવ કેસ અને ૧૧ મૃત્યુઆંક નોંધાયા હતા. જેની સામે વર્ષ ૨૦૨૨માં ૧૨ પોઝિટિવ કેસ અને ૧ મૃત્યુઆંક નોંધાયું હતું. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી. કોવિડ-૧૯ કોરોનાના કેસ ચાલુ વર્ષ ૨૦૨૩માં જાન્યુ.થી ચાલુ જૂન માસ સુધીમાં કુલ ૩૪૩ જોવા મળ્યા હતા.


જ્યારે મલેરિયાના કેસ વર્ષ ૨૦૧૩માં ૪૫૪૭ નોંધાયા હતા પરંતુ આરોગ્ય ખાતા દ્વારા સઘન કામગીરી કરાતા ગત વર્ષ ૨૦૨૨માં માત્ર ૮ કેસ અને ચાલુ વર્ષ ૨૦૨૩માં જાન્યુ.થી એપ્રિલ સુધીમાં ફક્ત ૫ કેસ નોંધાયા છે. જયારે વર્ષ ૨૦૧૩થી આજદિન સુધી જિલ્લામાં મલેરિયાના કારણે એક પણ મોતનો બનાવ બન્યો નથી. ડેંગ્યુના વર્ષ ૨૦૧૩માં ૯૮ કેસ જોવા મળ્યા હતા. જે ઘટીને વર્ષ ૨૦૨૨માં ૨૨ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે એક પણ કેસ જોવા મળ્યા નથી. ચિકનગુનિયાના વર્ષ ૨૦૨૨માં ૫ કેસ જિલ્લામાં નોંધાયા હતા જો કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી એવુ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મનોજ પટેલે જણાવ્યું હતું.


તમાકુ નિયંત્રણ કાર્યક્રમની બેઠકમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૦ સ્કૂલના ટાર્ગેટ સામે ૬૩ સ્કૂલોમાં ૧૨૫૮૯ વિદ્યાર્થીઓને તમાકુ સહિતના વ્યસનથી શરીરને થતા નુકસાન બાબતે સમજ આપવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૨માં ૬૦ સ્કૂલના લક્ષ્યાંક સામે ૫૪ સ્કૂલોમાં ૮૬૫૨ વિદ્યાર્થીઓ અને ચાલુ વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં ૮ સ્કૂલોમાં ૮૩૯ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કાર્યરત ટોબેકો સેશન સેન્ટરમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૨૩૭ જ્યારે ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૨૫૯ દર્દીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ સિવાય ૩૧ મે વર્લ્ડ નો ટોબેકો ડે ની શૈક્ષણિક સંસ્થાઓમાં થયેલી ઉજવણીની માહિતી આપવામાં આવી હતી.


ધી સીગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ એક્ટ ૨૦૦૩ના ભંગ બદલ થતા દંડ અને સજા વિશે સમજ આપવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ ભંગ બદલ જિલ્લા સ્કોડ વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, પોલીસ, શિક્ષણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૧૪૯૧ કેસ કરી કુલ રૂ. ૨,૮૪,૧૯૦ દંડની રકમ વસૂલવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૩માં તા.૨૫ જૂન સુધીમાં ૩૭ કેસ અને રૂ. ૫૧૦૦ દંડ વસૂલવામાં આવ્યો હતો. નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની બેઠકમાં જિલ્લાના ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રેઈનવોટર હાર્વેસ્ટીંગ, ૩ પીએચસી અને ૨ સીએચસીમાં સોલાર સિસ્ટમ અને ૩ પીએચસી તેમજ ૨ સીએચસીમાં નોન એલઈડી બલ્બને બદલે એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ હતી. હવા પ્રદૂષણના કારણે તીવ્ર શ્વસન બિમારીના કેસોનું સર્વેલન્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application