જમ્મુ કાશમીરનાં પહલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનું સીધુ કનેક્શન હોવાના દાવાની ભારતે ખાતરી કરી છે. ભારતે વિવિધ દેશોની સરકારને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાની ખાતરી કરતાં જરૂરી પુરાવા મોકલી આપ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતે છેલ્લા ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું છે કે, પહલગામ હુમલામાં આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. અને તેમનો સીધો પાકિસ્તાન સાથે સંબંધ હોવાની ખાતરી થઈ છે. જરૂરી પ્રત્યક્ષદર્શીઓ સહિત ગુપ્ત એજન્સીઓએ ટેક્નિકલ ઈન્ટેલિજન્સ અને વિશ્વસનીય જાણકારી મારફત પુરાવા આપ્યા છે. ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવામાં જાણવા મળ્યું છે કે, આતંકવાદી જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટના ઈલેક્ટ્રોનિક પુરાવા પાકિસ્તાનમાં ઓછામાં ઓછા બે સ્થળો પરથી મળી આવ્યા છે.
અમુક આંતકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. અને થોડા સમય પહેલાં જ ઘૂસણખોરી કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ પણ ઘૂસણખોરોની ખાતરી કરી છે. પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત અને 17 ઘાયલ થયા હતાં. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈન્ડિયન ફ્રન્ટ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી. પરંતુ પાકિસ્તાન સરકારે આ હુમલામાં પોતાની સંડોવણી હોવાના આરોપો ફગાવ્યા હતાં. નોંધનીય છે કે, ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે પોતાના નિવેદનમાં પલટી મારતાં નવુ નિવેદન આપ્યું હતું કે, આ હુમલા સાથે તેના કોઈ લેવાદેવા નથી.
બીજી બાજુ વિવિધ દેશોની સરકારે આ ક્રૂર આતંકી હુમલા બાદ પોતાના નાગરિકો માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા એડવાઈઝરી જાહેર કરી છે. હુમલો કરી ફરાર આતંકવાદીઓને શોધી કાઢવા માટે ભારતીય સેનાનું મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં સ્થાનિક આતંકવાદીઓના ઘરને તોડી પાડવામાં આવ્યા છે. 200થી વધુ સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ હુમલા બાદ વિશ્વને સંદેશ આપ્યો હતો કે, તેઓ (ભારત) એક-એક આતંકવાદીને શોધી-શોધીને મારશે. હવે કોઈને છોડવામાં આવશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500