સુરત જીલ્લાની સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે કડોદરા ચાર રસ્તા પાસેથી એક લકઝરી બસમાંથી 5.49 લાખ રૂપિયાનો ગાંજો અને 40 હજાર રૂપિયાનો વિદેશી દારૂ પકડી બસ ચાલકની અટક કરી હતી. આ ગાંજો અને દારૂનો જથ્થો મહારાષ્ટ્રના જલગાંવથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો.
સુરત જીલ્લા એસ.ઓ.જી.ની ટીમ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન ખાનગી રાહે મળતી બાતમીના આધારે, મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી એક ખાનગી લકઝરી બસમાં ગાંજા અને દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન પોલીસે બાતમી મુજબની લકઝરી બસ આવતા જોઈ તેને રોકી બસની અંદર તપાસ શરૂ કરતા બસની અંદરથી 54.930 કિલો ગાંજો જેની કીંમત રૂપિયા 5,49,300/-ની કિંમત તથા વિદેશી દારૂની 502 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 40,410/- હતી.
બસમાંથી દારૂ અને ગાંજાનો મોટો જથ્થો પકડાતા પોલીસે બસ ચાલક ભરતભાઈ હકમાભાઈ પટેલની (નિકોલ, અમદાવાદ) ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ જથ્થો મહારાષ્ટ્રના જલગાંવથી રાજ નામના શખ્સે બસમાં ભરાવ્યો હતો અને અમદાવાદના અંકલ નામના ઇસમને પહોંચાડવાનો હતો.
પોલીસે ભરતની ધરપકડ કરી રાજ અને અંકલ નામના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા અને મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500