સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીના યૌન શોષણનો મુદ્દો સામે આવ્યો હતો. શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યની ફરિયાદ બાદ સમગ્ર મુદ્દે ભારે વિવાદ થયો હતો. ત્રણ માસ પહેલા વાલીએ શિક્ષણ સમિતિના વિપક્ષ- શાસકોને પેન ડ્રાઈવ આપી હતી, પરંતુ કોઈ પગલાં ભરાયા ન હતા. વારંવાર રજુઆત બાદ આખરે આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણાની સ્કૂલ નંબર 300 ના આચાર્ય નિશાંત વ્યાસ સામે બાળકોના યૌન શોષણના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. વાલી દ્વારા શિક્ષણ સમિતિના તમામ સભ્યોને ત્રણ મહિના પહેલાં પેન ડ્રાઈવ આપવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરાયા ન હતા. શાળાના આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા પોતાની કેબિનમાં જ બાળકોને નિર્વસ્ત્ર કરી દીધા હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ પહેલાં પણ અન્ય સ્કૂલમાં જ્યાં તેઓ ફરજ બજાવતા હતા ત્યાં વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરતા હોવાની ચર્ચા હતી.
પુણાની શાળામાં આચાર્ય દ્વારા કરવામાં આવેલા આ કૃત્યોને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ફિટકાર વરસાવી આવી રહ્યો હતો. શિક્ષણ સમિતિ દ્વારા પણ આચાર્યને જાણે છાવરવાનો પ્રયાસ કરાતો હોય તેવા આક્ષેપ થયા છે. કોંગ્રેસના પૂર્વ સભ્યએ સીધી કમિશ્નરને ફરિયાદ કરતા પહેલા આચાર્યની બદલી કરવામાં આવી હતી, બાદમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
યૌન શોષણનો આક્ષેપ થયો છે તે આચાર્યની પેન ડ્રાઈવમાં 200 જેટલી ક્લિપ છે. અનેક ક્લિપમાં વિદ્યાર્થીઓ સમિતિના ગણવેશ સાથે જોવા મળે છે. આટલી ગંભીર બાબત હોવા છતાં પહેલાં મામલો દબાવી દેવા માટે પ્રયાસ થયો હતો, ત્યાર બાદ આ વિવાદ મોટો થતાં પાલિકા તંત્રએ પગલાં ભરવાની ફરજ પડી છે. સુરત શિક્ષણ સમિતિના એક કર્મચારી પાસે પાલિકાએ પુણા પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની વિગત સાથે એફ.આઈ.આર. દાખલ કરાવી છે.
ફરિયાદ બાદ ક્લિપમાં દેખાતા વિદ્યાર્થીની ઓળખ કરીને પોલીસે તેમના વાલીનો સંપર્ક કરી તેમના નિવેદનો લેવાની પોલીસે શરૂવાત કરી છે. પ્રિન્સિપાલના કહેવાથી છથી સાત વિદ્યાર્થીઓએ વીડિયો બનાવ્યો હતો. પુણામાં રહેતા 14 વર્ષના વિદ્યાર્થી કે જેને પ્રિન્સિપાલે નગ્ન કર્યો હતો તેની પોલીસે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ જણાવ્યું કે, વીડિયો ત્રણથી ચાર વર્ષ જૂનો છે. જે તે વખતે પ્રિન્સિપાલ નિશાંતના કહેવાથી છથી સાત વિદ્યાર્થીઓએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો. બીજી તરફ પોલીસે તપાસ શરૂ કરતાં આચાર્ય ભાગી છૂટ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500