સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જોવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 103 વર્ષ પછી એવું બન્યું છે કે જ્યા દેશમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હોય. આ એવા સ્થાન છે જ્યાં ખૂબ ગરમી નથી નોંધાતી. આ એપ્રિલ મહિનાના ગરમીના પારો આટલે પહોચ્યો હોય તો મે મહિનામાં હવામાન કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગે, 1921-2024 વચ્ચેના એપ્રિલ મહિનામાં નોંધાયેલ મહત્તમ ગરમીનો ડેટા શેર કર્યો છે.
આ આંકડાઓ દર્શાવે છે કે દેશના ઘણા ભાગોમાં આ અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહી શકે છે. આગામી પાંચ દિવસમાં હજુ પણ વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, દેશના પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ગરમીના તીવ્ર મોજાની અસર જોવા મળે તેવી સંભાવના છે. ગરમીનું આ ઉગ્ર સ્વરૂપ આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે. અત્રે નોંધનીય બાબત એ છે કે, આ દરમિયાન જ્યાં મતદાન થવાનું છે તે સ્થળોએ પણ વધુ ગરમી રહેવાની સંભાવના છે. ખાસ કરીને બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે હીટવેવની સંભાવના છે.
આ સિવાય કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ આકરી ગરમી પડી શકે છે. એપ્રિલ અને મે મહિનાના સંદર્ભમાં, હવામાન વિભાગે અગાઉ પણ કહ્યું હતું કે આ બે મહિના પાછલા વર્ષોના એપ્રિલ અને મે મહિનાકરતાં વધુ ગરમ હોઈ શકે છે. પીએમ મોદી સાથેની બેઠકમાં પણ હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત જણાવી હતી. આ દરમિયાન લોકોને પોતાની ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં બે તબક્કાના મતદાનમાં ગરમીના કારણે ઘણી જગ્યાએ મતદાન ઉપર અસર થવા પામી છે. ઘણી બેઠકો પર મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500