"કોવિડ-૧૯" ની સાંપ્રત સ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં "કોરોના"નુ સંક્રમણ વધુ ન ફેલાઈ તેની તકેદારી સાથે આગામી ચૂંટણીમાં ઝંપલાવવાની હાંકલ કરતા ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર શ્રી એન.કે.ડામોરે જિલ્લાના તમામ પક્ષો અને, હરીફ ઉમેદવારોને પક્ષાપક્ષીથી દુર રહીને નિષ્પક્ષ, અને ન્યાયી ચૂંટણી માટેની હાંકલ કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી રાજ્કીય પક્ષોના પ્રતિનિધિઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની સંયુક્ત બેઠકમાં માર્ગદર્શન આપતા શ્રી ડામોરે "કોવિડ-૧૯" ચૂંટણી માટેની નિયત માર્ગદર્શિકા અનુસાર ચૂંટણી પ્રચાર કાર્ય સહિતની પ્રક્રિયા હાથ ધરવા બાબતે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પડ્યુ હતુ.
ચૂંટણી સભાઓ, રોડ શો, ડોર ટુ ડોર પ્રચાર કાર્ય વિગેરે બાબતે રાખવાની કાળજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા શ્રી ડામોરે રાજકીય પક્ષો અને હરીફ ઉમેદવારોને જરુરી મંજુરી વિગેરે કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નિયત કરાયેલા પાંચ સ્થળોએ ચૂંટણી સંબંધિત જાહેરસભાઓ યોજવા અંગેની જાણકારી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે પણ સૌને માહિતગાર કાર્ય હતા.
૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે યોજાયેલી આ અગત્યની બેઠકમાં સુક્ષ્માતીસુક્ષ્મ બાબતોની જાણકારી આપતા શ્રી ડામોરે પ્રચાર-પ્રસારમા ચૂંટણી ખર્ચની મર્યાદાઓ, જરૂરી સેવાઓના નિયત કરાયેલા ભાવો અંગેની પણ જાણકારી આપી હતી.
બેઠકમા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી સહિતના વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો, જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વિગેરે એ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર શ્રી તેરસિંહ ડામોરે સંભાળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500