વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસે આત્મનિર્ભર ભારત હેઠળ મહિલાઓ સ્વાવલંબી બની આજીવિકા મેળવતી થાય તેવા આશયથી વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મિશન મંગલમ હેઠળના સખીમંડળોને લોન સહાયના મંજુરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયકક્ષાએ મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-માધ્યમથી રાજયવ્યાપી પ્રારંભ કર્યો હતો.
માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, મહિલાઓના કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બનીને આત્મનિર્ભર બને તેવા આશયથી રાજયની એક લાખ સખીમંડળની મહિલાઓને વગર વ્યાજે એક હજાર કરોડનું ધિરાણ આપવામાં આવશે. જેમાં સક્રીય સખીમંડળને એક લાખ સુધીની લોન સહાય વિના વ્યાજે આપવામાં આવશે જેનું વ્યાજ રાજય સરકાર ભોગવશે. સખીમંડળોની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન સખીમંડળોએ ૭૦ લાખના માસ્ક બનાવીને પાંચ કરોડ જેટલી આવક મેળવી છે.
આ અવસરે આદિજાતિમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે ૨૭૦ નારી અદાલતો, ૩૨ જેટલા મહિલા પોલીસ સ્ટેશનો કાર્યરત કર્યા છે. જયારે ગંગા સ્વરૂપ સહાય યોજના હેઠળ છ લાખ મહિલાઓને પેન્શન મેળવી રહી છે. તેમણે વ્હાલી દીકરી યોજના, સુકન્યા સમૃધ્ધિ, કસ્તુરબા પોષણ સહાય, દુધ સંજીવની જેવી અનેકવિધ મહિલાઓના કલ્યાણ માટેની યોજનાઓની વિગતો આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500