Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાર માસ પહેલાં ગુમ થયેલી દિકરી માયાનું પરિવાર સાથે પુનર્મિલન

  • August 30, 2020 

બાળક પોતાના માતા-પિતાની છત્રછાંયાથી છુટા પડી જાય ત્યારે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવા બિનવારસી ખોવાયેલી હાલતમાં મળી આવતા બાળકોને પોતાના પરિવાર પાસે હેમખેમ મિલન કરવવાનું ઉમદા કાર્ય જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

સુરત ખાતે ચાર મહિનાથી ખોવાયેલી બાળકી માયાને બાળ સુરક્ષા એકમે પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની વિગત આપતા બાળ સુરક્ષા અધિકારી જયેન્દ્રસિંહ ઠાકોર જણાવે છે કે, સુરતના લિંબાયત પોલીસને એપ્રિલ, ૨૦૨૦માં એક બાળકી બિનવારસી ખોવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીને પૂછતાં તેણે પોતાનુ નામ માયા અને ઉંમર સાત વર્ષ જણાવી હતી.

 

બાળકીને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સૂચન મુજબ કાળજી અને રક્ષણ માટે તા.૧૩ એપ્રિલ, ૨૦૨૦ના રોજ સુરતના રામનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો હતો. બાળ સુરક્ષા એકમે તપાસ માટે લિંબાયત પો. સ્ટેશનનો સંપર્ક કર્યો. સંસ્થાના સ્ટાફ દ્વારા બાળાનુ કાઉન્સેલીંગ અને કેસ સ્ટડી કરતા જાણવા મળ્યું કે, પરવત પાટીયા વિસ્તારમાં તેણીના માતા-પિતા રહે છે. તેણે દર્શાવેલા સરનામે ઘરતપાસ કરવા માટે પ્રોબેશન ઓફિસર અને ગૃહમાતા તા.૨૫ ઓગસ્ટના રોજ પરવત ગામના ભગવતીનગરમાં ગયા હતા. ત્યાં આસપાસના લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બાળાના માતા-પિતા ઘર ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા છે.

 

પરવત પાટીયા ચાર રસ્તા તથા આઇ માતા ચોક ખાતે તપાસ કરતા બાળાના કાકા-કાકી મળી આવતા તેમના પાસેથી બાળાના પિતાનો સંપર્ક નંબર મેળવ્યો હતો. માતાપિતા સાથે વાતચીત કરતા તેમણે માયા તેમની જ દિકરી હોવાનું જણાવ્યું હતું. બાળસુરક્ષા વિભાગે માયાના માતા-પિતાને પાંડેસરાની અટલબિહારી બાજપાઇ લાઇબ્રેરી, હાઉસીંગ ખાતે બોલાવી પુરાવાની ખરાઈ કરવામાં આવી હતી. માતા-પિતાએ માયાને ઓળખી બતાવતા લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. માયાના પરિવારમાં બે ભાઇ અને એક બહેન છે. માયાને આટલો સમય સુરક્ષિત રાખવા અને પોતાના પરિવારને સુપરત કરવા બદલ માતાપિતાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application