Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અનલોક-૩ ના અમલ સંદર્ભે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ

  • August 02, 2020 

Tapi mitra news:વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના વંચાણ-૧ ના હુકમથી સમગ્ર દેશમાં ક્ન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૧/૦૮/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. વંચાણની સૂચનાઓ મુજબ તાપી જિલ્લામાં કોવીડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ હોવાથી કોવીડ-૧૯ ના ઝડપી સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૩૭(૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે કેટલાક નિયંત્રણો મૂકવાની જરૂરીયાતને અનુલક્ષીને તાપી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.હાલાણીએ એક જાહેરનામા દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૦ ના ક.૦૦:૦૦ થી તા.૩૧/૦૮/૨૦૨૦ ના ક.૨૪:૦૦ સુધી સમગ્ર તાપી જિલ્લામાં કેટલાક નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. તદઅનુસાર, તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે જિલ્લાના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. સમગ્ર તાપી જિલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૦ થી રાત્રી કર્ફયુ અમલમાં રહેશે નહીં. સમગ્ર તાપી જિલ્લાના હદ વિસ્તારમાં ક્ન્ટેનમેન્ટ/ માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોનમાં સવારના ૦૭.૦૦ કલાકથી રાત્રીના ૦૭.૦૦ કલાક સુધી ફક્ત આવશ્યક સેવાઓની જ છૂટ રહેશે.જિલ્લામાં તમામ પ્રકારની દુકાનો રાત્રીના ૦૮.૦૦ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે.જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટસ રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. યોગા ઈન્સ્ટીટ્યુટ અને જીમ્નેશિયમ તા.૦૫/૦૮/૨૦૨૦ થી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલયની SOP અનુસાર શરૂ કરી શકાશે. તેવી જ રીતે કામદારો કર્મચારીઓ/ દુકાન માલિકો કે જેઓના રહેઠાણ ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ છે તેઓ ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોન છોડી બહાર જઈ શકશે નહીં. GSRTC ની બસ સેવાઓ કાર્યરત રહી શકશે. ખાનગી બસ સેવાઓ ૬૦% બેઠક ક્ષમતા (60% seating capacity and no standing) સાથે GSRTC જેવી જ Standard Operating Procedures ના પાલન સાથે ચાલુ રાખી શકાશે.રમતગમત સંકુલ અને સ્ટેડીયા(Stadia) ચાલુ રાખી શકાશે. કાર્યક્રમના પ્રસારણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહીં. પરંતુ પ્રેક્ષકો અને જનમેદની એકઠી થવા પર પ્રતિબંધ રહેશે. તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/ તાલીમ/ કોચીંગ સંસ્થાઓ વિગેરે બંધ રહેશે. તેમ છતાં વહીવટી કચેરીઓ ચાલુ રાખી શકાશે. ઓનલાઈન/ દૂરવર્તી શિક્ષણ (Distance Learning) ચાલુ રાખી શકાશે અને તેને પ્રોત્સાહિત કરવાનું રહેશે. તમામ સિનેમાગૃહ, સ્વીમીંગ પુલ, મનોરંજન પાર્ક, જાહેર બગીચાઓ, નાટ્યગૃહો, સભાગૃહો, સભાખંડો તથા વધુ વ્યક્તિઓ ભેગા થવાની શક્યતાવાળા સ્થળો બંધ રાખવા. તમામ સામાજિક/ રાજકીય/ રમતગમત/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક સભારંભો/ અન્ય સંમેલનો અને મોટી સંખ્યામાં જન સમુદાયના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. લગ્ન સમારંભોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૫૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. અંતિમવિધિમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૨૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. હોટેલ અને અન્ય આતિથ્ય સેવાઓ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ Standard Operating Procedures મુજબ ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થળો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે તેમજ Standard Operating Procedures મુજબ ચાલુ રાખી શકાશે. પરંતુ કાર્યક્રમ/ વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા નક્કી કરેલ વિસ્તારોમાં શેરી વિક્રેતાઓ Standard Operating Procedures મુજબ કામગીરી ચાલુ રાખી શકશે. તેવી જ રીતે ગ્રંથાલયો બેઠક વ્યવસ્થાની ક્ષમતાના ૬૦% સંખ્યા સાથે ચાલુ રાખી શકાશે.ઓટો રીક્ષાની સેવા ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે ચાલુ રાખી શકાશે. કેબ અને ટેક્ષીની સેવા, ખાનગી કારમાં ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. જો બેઠક ક્ષમતા ૬ કે તેથી વધુ હોય તો ડ્રાઈવર સિવાય ૩ મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. દ્વિચક્રીય વાહનો ડ્રાઈવર સિવાય એક મુસાફર સાથે અવરજવર કરી શકશે. ખાનગી કચેરી / કાર્યસ્થળો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી “વર્ક ફ્રોમ હોમ” સિધ્ધાંતને અનુસરવાનો રહેશે. બેંકો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે, સરકારી કચેરીઓ સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે.આંતર રાજ્ય અને રાજ્યની અંદર વ્યક્તિઓ અને માલ-સામાનની અવર-જવર કોઈ પણ નિયંત્રણ વિના કરી શકાશે. આ માટે અલગથી પરવાનગી લેવાની રહેશે નહી. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિ(co-morbidities), સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોએ અત્યંત જરૂરી ન હોય કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન હોય, તો ઘરે જ રહેવાનું રહેશે. જિલ્લામાં જાહેરમાં થૂંકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વંચાણ-૨ ના જાહેરનામા મુજબ રૂ.૫૦૦/- નો દંડ વસૂલાવામાં આવશે. ઓફિસ તથા કામના સ્થળો પર સલામતીની ખાત્રી માટે, તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરી શકાય એવા મોબાઈલ ફોન હોય તે તમામ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે.જિલ્લાના તમામ નાગરિકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવા અને નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય અંગે એપમાં અપડેશન કરવા સૂચન કરવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્યનું જોખમ ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સમયસર તબીબી ધ્યાન આપવા અંગે સરળતા રહેશે. તેવી જ રીતે તમામ વ્યક્તિઓએ એકબીજાથી ઓછા માં ઓછુ ૬ ફુટ અંતર (દો ગજ કી દુરી) જળવાય તે મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે દુકાનદારોએ સુનિશ્ચિત કરવાનું રહેશે.જાહેર સ્થળોએ પાન, ગુટકા, તમાકુ વિગેરેનું સેવન પ્રતિબંધિત રહેશે.કચેરીઓ, કાર્યસ્થળો, દુકાનો, માર્કેટ્સ(બજારો) અને ઔદ્યોગિક અને વાણીજ્ય એકમોમાં કામ/ વ્યવસાયના કલાકો(Business hours) અલગ અલગ રાખવાના રહેશે. તમામ કાર્યસ્થળોએ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસ અને કોમન એરીયામાં થર્મલ સ્ક્રીનીંગ, હેન્ડ વોશ અને સેનીટાઈઝરની જોગવાઈ કરવાની રહેશે.સંપૂર્ણ કાર્યસ્થળ, સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓ તથા લોકોના સંપર્કમાં આવતા તમામ પોઈન્ટ્સ જેવા કે ડોર હેન્ડલ વિગેરેની બે શિફ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન તથા તે ઉપરાંત વારંવાર સેનીટાઈઝ કરવાના રહેશે. કાર્યસ્થળના પ્રભારી એવા તમામ વ્યક્તિઓએ કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે શિફ્ટ વચ્ચે સમયનું યોગ્ય અંતર અને કર્મચારીગણના ભોજન માટે અલગ અલગ સમયની ગોઠવણ કરીને સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે. ઉક્ત જાહેરનામામાં દર્શાવેલ અપવાદ અન્વયે આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦-૩/૨૦૨૦-DM-I(A)મ તા,૨૪/૦૩/૨૦૨૦, તા.૨૫/૦૩/૨૦૨૦, તા.૨૭/૦૩/૨૦૨૦, તા.૨૯/૦૩/૨૦૨૦, તા.૦૨/૦૪/૨૦૨૦, તા.૦૩/૦૪/૨૦૨૦, ૦૬/૦૪/૨૦૨૦, તા.૧૦/૦૪/૨૦૨૦, તા.૧૨/૦૪/૨૦૨૦, તા.૧૪/૦૪/૨૦૨૦, તા.૦૧/૦૫/૨૦૨૦ તથા તા.૧૭/૦૫/૨૦૨૦ તથા તા.૩૦/૦૫/૨૦૨૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application