હિમાચલ પ્રદેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ બેસતા પડેલા ભારે વરસાદનાં લીધે કેટલાય સ્થળોએ ભૂસ્ખલન થતાં 300 બકરાનાં મોત થયા છે અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, વાહનોને નુકસાન પહોંચ્યું છે, પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે અને શિમલા-કાલકા નેરોગેજની ટ્રેનો રદ થઈ છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, દેશમાં હવે ઉત્તરમાં ચોમાસાની એન્ટ્રી થવાની તૈયારીમાં છે. હિમાચલમાં થઈ ચૂકી છે અને તે ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં થશે. જ્યારે મુંબઈમાં ભારે વરસાદ પડતા ચોમેર પાણી ભરાયા હતા.
ભારે વરસાદનાં લીધે કૈથાલીઘાટ અને ધરમપુરની વચ્ચે કેટલાક સ્થળોએ ભૂસ્ખલન થતાં કાલકા-શિમલા હેરિટેજ લાઇન પર સાત ટ્રેન રદ કરવી પડી છે, એમ સ્ટેશન માસ્ટર જોગિન્દરસિંઘે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, સાંજ સુધીમાં ટ્રેક પૂર્વવત્ થઈ જશે. હિમાચલનાં ચંબા જિલ્લામાં પર્વતની ટોચ પરથી થયેલા ભૂસ્ખલનનાં લીધે લગભગ 300 બકરા મરી ગયા છે અને 50થી વધુને ઇજા પહોંચી છે.
શિમલા ટાઉનમાં પાણીના ભારે પ્રવાહનાં લીધે મકાનને અને રસ્તા પર પાર્ક થયેલા કેટલાક વાહનને નુકસાન પહોંચ્યું હતું. શિમલા જલ પ્રબંધન લિમિટેડે જણાવ્યું હતું કે, શહેરમાં આગામી કેટલાક દિવસો સુધી પાણી પુરવઠો ખોરવાયેલો રહે તેવી સંભાવના છે. તેની સાથે હવામાન વિભાગે રાજ્યના નોંધપાત્ર હિસ્સામાં આગામી સમયમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500