Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘પહેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ' દ્વારા જરૂરિયાતમંદ લોકોને આત્‍મનિર્ભર બનાવવાની ઉમદા કામગીરી

  • May 28, 2020 

Tapi mitra News;કોરોના વાઇરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે. ત્‍યારે અનેક લોકોની આર્થિક સ્‍થિતિ દયનીય અને કફોડી બનવા પામી છે. આજીવિકાના તમામસ્ત્રોત બંધ થઇ જવા પામ્‍યા છે. આ સ્‍થિતિ દરમિયાન રાજય સરકાર ઉપરાંત જે-તે જિલ્લાના અનેક સ્‍વયંસેવકો અને સંસ્‍થાઓ સેવાકીય પ્રવૃતિ માટે તથા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્‍યા છે તે બાબત અવગણી શકાય તેમ નથી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં લોકસેવા અને પરમાર્થના કાર્યોને જ પોતાના જીવનનો ધ્‍યેય બનાવી કાર્યરત એવી ‘પહેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ' ટીમની કામગીરી નોંધનીય છે. આ ટ્રસ્‍ટ દ્વારા લોકહિતને ધ્‍યાને રાખીને સ્‍વરોજગારીને પ્રોત્‍સાહન આપવા માટે વિવિધ કાર્યો કરવામાં આવ્‍યા છે. સરકારશ્રીના નિયમોના પાલનની સાથે-સાથે સામાજિક અંતર જાળવી ધરમપુર અને કપરાડા તાલુકાના ૨૦૦થી વધુ જરુરિયાત મંદ લાભાર્થીઓ માટે આજીવિકાની સંપુર્ણ તક ઊભી કરવાની ઉમદા કામગીરી કરવામાં આવી છે. આ સ્‍વરોજગારીની તક હેઠળ અંદાજે અઢી લાખની કિંમતના ૨૫ હજારથી વધુ વોશેબલ માસ્‍ક બનાવવામાં આવ્‍યા છે. આ ઉપરાંત પાપડ, અથાણાં, વાંસની બનાવટો અને શરબત જેવી ઘરગથ્‍થુ ચીજવસ્‍તુઓનું ઉત્‍પાદન કરાવવામાં આવી રહયું છે. આ તમામ કામગીરીમાં ગ્રામ વિસ્‍તારના ૨૦૦ થી વધુ લોકો જોડાઇને નાના-મોટા કામ દ્વારા આત્‍મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય લોકડાઉનના સમય દરમ્‍યાન એક લાખથી વધુ જરૂરિયાતમંદોને ફુડ પેકેટનું વિતરણ, ૩૫૦૦થી વધુ અનાજ અને સ્‍વચ્‍છતા કિટ અને સેનેટરી પેડસ, ૧૮ હજારથી વધુ લોકોને ચા-નાસ્‍તો, પાંચસો લિટરથી વધુ દુધ, બાર હજારથી વધુ માસ્‍કનું વિતરણ કરવામાં આવ્‍યું છે. આ સંસ્‍થા દ્વારા માનવીય જીવનની સાથે-સાથે અબોલ પશુ-પક્ષીઓ માટે પણ દાણ-પાણીની વ્‍યવસ્‍થાની ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરવામાં આવી છે.‘આત્‍મનિર્ભર ભારત' બનાવવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આહ્‌વાનને વલસાડ જિલ્લા દ્વારા સહર્ષ સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે. ‘આત્‍મનિર્ભર ભારત'ના મહાયજ્ઞમાં વલસાડ જિલ્લાના ગ્રામજનો પણ નાનકડી શરૂઆત થકી આહુતિ આપી પોતાને આર્થિક રીતે પગભર બનાવી દેશના અર્થતંત્રને ફરી ધબકતું કરવામાં જોડાઇ રહ્યા છે, જે જિલ્લા માટે ગર્વની બાબત છે.-આલેખન-વૈશાલી જે. પરમાર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application