Tapi mitra News:મહિલાઓની સંકટ સમયની સાંકળ સાબિત થયેલી ૧૮૧ અભયમ હેલ્પલાઈન સુરતમાં ફરી એક વાર એક નાસીપાસ યુવતીની વ્હારે આવી હતી. સગાભાઈની સતત માનસિક હેરાનગતિથી કંટાળી જઈ તાપી નદીમાં કુદી આત્મહત્યા કરવા જઈ રહેલી યુવતીને અભયમે ઉગારી તેને આત્મહત્યા કરતાં બચાવી લીધી હતી.
વાત એમ છે કે, સુરતના કતારગામથી એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું કે અહીં તાપી કિનારે એક યુવતી આત્મહત્યા કરવા જઈ રહી હોય એવું તેના હાવભાવ ઉપરથી જણાઈ આવે છે, જેથી તાત્કાલિક મદદ કરવા વિનંતી કરી હતી. જેથી કતારગામ પોલિસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાને તાત્કાલિક સ્થળ પર પહોંચીને આપઘાતનો પ્રયાસ કરી રહેલી યુવતીને શોધીને તેને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. અભયમે સાંત્વના આપી યુવતીને આત્મહત્યા કરવાનું કારણ પૂછતાં તેણે પોતાની આપવિતી જણાવી હતી. ‘ હિના (નામ બદલ્યું છે) નામની આ યુવતી એક સ્થાનિક પ્રાઈવેટ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. તેને વધુ અભ્યાસ કરી પ્રોફેસર બનવાની ઈચ્છા હોવાથી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નર્સની નોકરીનો દૈનિક સમય પૂર્ણ થયા બાદ ઘરે આવી વાંચન કરતી અને મોબાઈલ દ્વારા અભ્યાસ અંગેની માહિતી એકઠી કરી પરીક્ષામાં પાસ થવાં માટે મહેનત કરતી હતી. પરંતુ તેનો સગો ભાઈ તેના અભ્યાસમાં અને પરીક્ષાની તૈયારીમાં વિઘ્ન નાંખતો હતો. હિના વાંચતી હોય ત્યારે અવારનવાર લાઈટ, પંખો બંધ કરી દે, મોબાઈલ છીનવી લે અને અપશબ્દો બોલીને તેને માનસિક રીતે સતત હેરાન પરેશાન કરતો હતો. આવું ઘણા સમયથી ચાલતું હતું. ભાઈ તેને એમ કહીને પરેશાન કરતો કે, ‘તું કોઈ પરીક્ષાની તૈયારી કરતી નથી, પણ બીજા સાથે વાતચીત કરે છે’
યુવતીએ તેના ભાઈને વારંવાર સમજાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ ભાઈ તેને પરીક્ષાની તૈયારી કરવા દેતો ના હતો. તેની હેરાનગતિ સતત વધતી જઈ રહી હતી. આખરે ભાઈની હરકતોથી નાસીપાસ થયેલી યુવતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું. અને આ વિચારથી તે તાપી નદીમાં ઝંપલાવવા ગઈ હતી. ત્યારે એક વ્યક્તિના ધ્યાનમાં આવતા તેણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી આ અંગે જણાવ્યું હતું. કતારગામ પોલિસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાને તાત્કાલિક તાપી કિનારે પહોંચી યુવતીને આત્મહત્યા કરતા બચાવી લીધી હતી. અભયમ સ્ટાફે યુવતીને ધીરજથી સમજાવી આત્મહત્યાનો વિચાર મનમાંથી કાઢી નાખવા જણાવ્યું. આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી. તેના પ્રોફેસર થવાના સ્વપ્નને સાકાર કરવા કોઈ પણ અવરોધને ધ્યાનમાં લીધા વિના મહેનત શરૂ રાખવાની હિંમત આપી હતી. આમ, અસરકારક કાઉન્સેલિંગ કરી તેને માનસિક હતાશામાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી. યુવતીએ જણાવ્યું કે, તેનો ભાઈ ફરીથી તેને હેરાન પરેશાન ન કરે તે માટે પોલિસને જાણ કરવી છે, જેથી અભયમ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. કતારગામ પોલિસ આગળની કાર્યવાહી કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500