Tapi mitra News-લોકડાઉન હોવા છતાં મોટા વરાછા શ્રી ફાર્મની બાજુમાં ખુલ્લા ખેતરમાં માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જુગાર રમતા ૯ જણાને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૬૨,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો છે. અમરોલી પોલીસ મથકના પો. કોન્સ્ટેબલ કિરીટ રસિક અને મહેશ વશરામને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે મોટા વરાછા સ્થિત શ્રી ફાર્મની બાજુમાં ખુલ્લા ખેતરમાં દરોડા પાડયા હતા. જયાંથી મોટા વરાછા પનવેલ પોઇન્ટની બાજુમાં આવિષ્કાર હાઇટ્સમાં રહેતા જમીન દલાલ વિપુલ બચુ ગોંડલીયા , એમ્બ્રોડરી કારખાનેદાર સાગર ભીખા બોધવીયા , મેહુલ કનુભાઇ કાનાણી , હીરા દલાલ જીગ્નેશ ભીમજી ખૈની , અરવિંદ બાબુ ગઢીયા , જીતેન્દ્ર ઘનશ્યામ અક્બરી , ટેક્સટાઇલ વ્યાપારી જીતેશ ધનજી ખુંટ , નરેશ વલ્લભ માવાણી અને કિશોર રામજી માકડીયાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી અંગ જડતીના અને જુગારની રમતના મળી કુલ રૂ. ૬૨,૬૦૦ ની મત્તાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં લોક્ડાઉન ચાલી રહ્યું છે તેમ છતા ઉપરોક્ત તમામ જુગાર રમવા ભેગા થયા હતા અને તેમણે માસ્ક પણ પહેર્યા ન હતા. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતુ. જેથી પોલીસે તમામની જુગાર ધારા એક્ટ હેઠળ ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500