Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોતાના નવજાત બાળકને મળવાનો મોહ છોડી દેશ પ્રત્યેત પોતાની ફરજ અદા કરતા પોલીસ કોન્સ્ટેબલ

  • April 19, 2020 

Tapi mitra News-સમગ્ર દેશ જયારે લોકડાઉનની સ્‍થિતિમાં છે ત્‍યારે અનેક પરિવારો એવા છે જે પોતાના સ્‍વજનોથી દુર છે. જેના દુર રહેવાના કારણો પણ જુદા જુદા છે. કોઇ મજબુરીમાં અમુક જગ્‍યાએ રહેવા બંધાયેલા હોય તો કેટલાક પોતાની ફરજના કારણે રોકાયા હોય.સામાન્‍ય રીતે લોકોના મનમાં સરકારી કર્મચારી તથા તેઓની કામગીરી પ્રત્‍યે પ્રશ્‍નાર્થ રહેતો હોય છે. પરંતુ વિકટ પરિસ્‍થિતિમાં જ તેઓના કામનું મુલ્‍યાંકન થતું હોય છે અને ત્‍યારે તેઓ કર્મચારીની કર્મનિષ્‍ઠા, ધૈર્ય, નિઃસ્‍વાર્થ ભાવના, દેશપ્રેમ, અને કામ પ્રત્‍યેની જવાબદારી જોઇને છક થઇ જતા હોય છે. આવા અનેક યોદ્ધાઓને લોકો બિરદાવી રહયા છે. ત્‍યારે વલસાડ જિલ્લો તેમાંથી કઇ રીતે બાકાત રહી જાય. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્‍સ્‍ટેબલ નિતેશભાઇ રૂગાભાઇ ખાંટ છેલ્લા ૪ વર્ષથી વલસાડ સીટી પોલિસ સ્‍ટેશનમાં ફરજ બજાવી રહયા છે. તેઓનું મૂળ વતન મહીસાગર જિલ્લામાં છે. પરિવારમાં પત્‍નિ શર્મિષ્‍ઠાબેન અને ચાર વર્ષની દિકરી છે, જે તેમના વતનમાં જ રહે છે. તેઓ નોકરીમાંથી વર્ષમાં અમુક દિવસોની રજાઓ લઇ પરિવારની સાથે સમય વિતાવે છે. તેમની પત્‍નિ ગર્ભવતિ હતી અને છેલ્લો મહિનો ચાલતો હતો. જેથી નિતેશભાઇ રજા લઇ પત્‍નિ તથા આવનાર બાળક સાથે સમય વિતાવવાનું વિચારી જ રહયા હતા. ત્‍યાં કોરોના વાઇરસના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર થયું. સમગ્ર વિશ્વ આ ભયાનક બિમારીમાં સપડાઇ ગયું. તેને રોકવા પોલીસ, આરોગ્‍ય, સફાઇકર્મીઓ, વહીવટીતંત્ર વગેરેના કર્મચારીઓ દિવસ-રાત એક કરી લોકોને આ બિમારીનો ભોગ બનતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. આવા સમયે નિતેશભાઇ પણ પોતાનો ઘરે જવાનો વિચાર પડતો મુકી પોતાની ફરજમાં ખડેપગે પોતાની કામગીરી બજાવી રહયા છે.તારીખ ૧૬-૦૩-૨૦૨૦ના રોજ તેમના ઘરે દિકરાનો જન્‍મ થયાના શુભ સમાચાર ફોન ઉપર મળ્‍યા. આવા સમયે કોઇ પણ સામાન્‍ય માનવીને પોતાના બાળકને મળવાની, તેને વહાલ કરવાની ઇચ્‍છા થવી સ્‍વાભાવિક છે. પરંતુ નવજાત બાળક અને પરિવાર સાથે મળવાનો મોહ ત્‍યાગી પોતાની ફરજ ઉપર તેઓ કાયમ રહી પોતાને મળેલી ડયુટીમાં વ્‍યસ્‍ત રહેવા લાગ્‍યા.અન્‍ય પોલીસ મિત્રો દ્વારા તેઓના કચેરીના વડા પોલીસ ઇન્‍પેકટર એચ.જે.ભટ્ટ ને આ બાબતની જાણ થતાં તેઓએ પોતાની ડયુટીમાં વ્‍યસ્‍ત નિતેશભાઇને કચેરીએ બોલાવી અભિનંદન પાઠવ્‍યા હતા. સૌ કર્મચારીઓએ મળી નિતેશભાઇને પોતાના હાથે મિઠાઇ ખવડાવી અને કેક કાપી દિકરાના જન્‍મની શુભકામનાઓ આપી હતી. એટલું જ અહીં નિતેશભાઇ સહિત સ્‍ટાફમિત્રોએ વિડિયો કોલ ઉપર પરિવાર સાથે વાત કરાવી દિકરાને વહાલ કર્યો હતો. નિતેશભાઇ જણાવે છે કે, ‘પોલીસની નોકરી એવી છે જેમાં ઘણી વખત તહેવારના સમયમાં પણ ઘરે જઇ શકતા નથી. હાલમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા મારા પરિવાર કરતા વધારે મારા દેશને મારી સાથે અનેક કર્મચારીઓની જરૂર છે અને મારું કાર્ય સ્‍થળ જ મારા પરિવાર સમાન છે. તેથી જ્‍યાં સુધી પરિસ્‍થિતિ કાબુમાં ન આવે ત્‍યાં સુધી હું ઘરે ના જઇશ.'આજે સમગ્ર વિશ્વ જ્‍યારે કોરોના મહામારીના સંકટનો સામનો કરી રહયું છે, ત્‍યારે આવી સંકટની ઘડીએ પોલીસ કે સરકારીતંત્ર કે સેવાભાવી સંસ્‍થામાં જોતરાયેલા સજ્જનો-સન્નારીઓ, ડૉકટર, નર્સ, સફાઇ કર્મચારીઓ સહિત અનેક લોકો જે પણ પોતાનું કર્તવ્‍ય પ્રામાણિકતાથી નિભાવી અવિરતપણે સેવા કાર્યો કરી રહયા છે, તે સૌ ખરેખર અભિનંદનને પાત્ર છે. આવા કાર્યનિષ્‍ઠ કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા છોડીને જયારે ફરજ બજાવતા હોય ત્‍યારે તેઓને આપણે પ્રોત્‍સાહન આપી ઘરમાં રહી તેઓના કામમાં સહકાર આપવો એ આપણી ફરજ બને છે. આવા કિસ્‍સા એ લોકો માટે ઉદાહરણ રૂપ છે, જેઓને ઘરમાં રહી કંટાળો આવે છે તેવા તુચ્‍છ બહાના સાથે વિનાકારણે ઘરની બહાર આંટો મારવા નીકળી પડતા હોય છે, ત્‍યારે આપણા સૌ માટે નિતેશભાઇ જેવા અનેક કર્મયોગીઓ અને નાના-મોટા આદર્શ વ્‍યકિતઓની ગાથા ઉપર ઘડીભર વિચાર કરવો જરૂરી છે.(આલેખન : વૈશાલી જે. પરમાર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application