Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૬મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં વાઈરસના સંક્રમણ અને પોઝીટીવ કેસોની સંખ્યાને ધ્યાને લઇને સુરત શહેર પોલિસ કમિશનરશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવાલાઈન્સ પોલિસ સ્ટેશનના સમગ્ર વિસ્તાર તથા લિંબાયત પોલિસ સ્ટેશનની કમરૂનગર પોલીસ ચોકીના સમગ્ર વિસ્તારમાં કર્ફ્યું મૂકવામાં આવ્યો છે, ત્યારે શહેરીજનોએ ઘરથી બહાર ન નીકળી કર્ફ્યુંનું પાલન કરી કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ બનવાનો અનુરોધ કર્યો હતો. કર્ફ્યું વિસ્તારમાં કાર્યરત હાલ ૨૯૧ સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમો દ્વારા ૨૫૦ સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમજ આજ રાત્રિ સુધીમાં ૫૦૦ સેમ્પલ લેવામાં આવશે. આ રીતે ઘનિષ્ઠ સર્વેલન્સ અને અગ્રેસિવ ટેસ્ટીંગ પધ્ધતિ અપનાવી આરોગ્ય ચકાસણી કરી સેમ્પલ લેવાઈ રહ્યા છે.
મ્યુ. કમિશનરશ્રીએ જણાવ્યું કે, શહેરમાં કોરોનાના કુલ ૮૭ પોઝીટિવ કેસ નોંધાયા છે. આજે સુરતમાં ૩૩ શંકાસ્પદ કેસો ઉમેરાયા છે, જેમાંથી ૨૬ નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવાં માટે નિર્ધારિત કરવામાં આવેલા કુલ ૧૦ ક્લસ્ટર એરિયામાં એક્ટિવ સર્વેલન્સ કરાઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ગત રોજ ૧૦૩૦ કેસોનું ટેસ્ટીંગ કરાયું હતું.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ટ્રીપલ ટી એપ્રોચના આધારે રાંદેરમાં સંક્રમણ ઘટ્યું હોવા છતાં સર્વેલન્સ અને ટેસ્ટીંગની કાર્યવાહી સતત શરૂ છે. જ્યાં કેસો વધી રહ્યા છે તેવા લિંબાયત અને માન દરવાજા વિસ્તારના હોટસ્પોટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આજની સ્થિતિએ કુલ ૨૯૭૬ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૩૪૦ સરકારી અને ૨૭ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ ૩૩૪૩ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. પાલિકાના ૧૧ રિલીફ સેન્ટરોમાં ૮૦૦ થી વધુ વ્યક્તિઓ આશ્રય અને ભોજન આપવામાં આવે છે. આજે કુલ ૭.૨૧ લાખ લોકોને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. ૧૨૦૦ દિવ્યાંગ અને વૃદ્ધ ઘર બેઠાં ભોજન આપવામાં આવે છે.આજે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૧૦૬ લોકો પાસેથી રૂ.૧,૨૨,૪૦૦ નો દંડ કરાયો છે. હવે માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને રૂ. ૫,૦૦૦ નો દંડ કરવામાં આવે છે, જેમાં આજે માસ્ક ન પહેરનારા ૮૭ વ્યક્તિઓને રૂ. ૯૫,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે એમ જણાવી શ્રી પાનીએ શહેરીજનોને જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500