Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ અને આરોગ્યકર્મીઓ પોતાના જીવનું જોખમ લઈને પણ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે ત્યારે પ્રજાકીય સહયોગ એટલો જ જરૂરી:પોલીસવડા શિવાનંદ ઝા

  • April 16, 2020 

Tapimitra News-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્ર 'ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો, જવાબદાર રહો અને જવાબદાર બનાવો' નો હેતુ સ્પષ્ટ છે કે નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત થતા નાગરિકોને કોઈપણ ભોગે બચાવવા અને આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સરકાર જરૂરી તમામ પગલાંઓ લઇ રહી છે તેમ કહી રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ ઉમેર્યું હતુ કે, પોલીસ અને આરોગ્યકર્મીઓ પોતાના જીવનું જોખમ લઈને પણ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે ત્યારે પ્રજાકીય સહયોગ મળી રહે તે બાબત એટલી જ જરૂરી છે. શ્રી ઝાએ ઉમેર્યું કે, આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ અને તેની હેરફેર માટે જરૂરી છૂટ આપવામાં આવી છે ત્યારે અધિકૃત પાસ ધરાવતી વ્યક્તિને પોલીસ ક્યાંય રોકશે નહીં, પરંતુ પોલીસ દરેક વ્યક્તિના પાસ ચેક કરી રહી છે. જો અનઅધિકૃત કે બનાવટી પાસ દ્વારા અવર-જવર કરવામાં આવી રહી હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં પણ બનાવટી પાસ સંદર્ભે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ શહેરમાં કરફ્યુ ભંગના ૨૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ૨૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.રાજ્યમાં લોકડાઉન જાહેર થયા બાદ પકડાયેલા વ્યક્તિઓના જપ્ત કરવામાં આવેલા વાહનો છોડવાની કામગીરી તેજ કરવામાં આવી છે એમ જણાવતાં શ્રી ઝાએ ઉમેર્યું હતું કે, પકડાયેલા વાહનો છોડવાની સત્તા હવે પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીને પણ આપવામાં આવી છે અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે હવે તેમના જપ્ત કરવામાં આવેલા વાહનો છોડવાની કામગીરી વધુ ઝડપે શરૂ કરી છે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગ સંદર્ભે જપ્ત કરેલા ૩૧,૮૭૯ વાહનો છોડવામાં આવ્યા છે અને આગામી ત્રણ- ચાર દિવસમાં તમામ વાહનો છોડી દેવા પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. લોકડાઉન ભંગ કરનાર વધુ ત્રણ સુરા જમાતના વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, સુરા જમાતમાંથી આવેલા વ્યક્તિઓ પૈકી આજે મહેસાણામાં બે અને ગાંધીનગરમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધી તે તમામને કવોરન્ટાઈન કરી આરોગ્ય ચકાસણી હાથ ધરાઇ રહી છે. અત્યાર સુધીમાં સુરા જમાતથી ગુજરાતમાં લોકડાઉન ભંગ કરીને આવેલા વ્યક્તિઓ સામે ૬ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગરમાં એક, મહેસાણામાં બે અને ગાંધીનગરમાં ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. શ્રી ઝાએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ વધુ ૧૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૦૬ ગુનાઓ દાખલ કરી ૬૦૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ગઈ કાલે ૨૭૬ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ગઈ કાલે ૬૧ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી ૫૮૩૯ ગુનાઓ દાખલ કરી ૧૨,૭૫૪ ની ધરપકડ કરી છે તથા સીસીટીવીની મદદથી ૯૭૪ ગુનાઓ દાખલ કરી ૧૭૫૬ ની ધરપકડ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગઈ કાલથી અત્યાર સુધીમાં એ.એન.પી.આર કેમેરાથી ૧૪ ગુના અને વિડિયોગ્રાફી કરીને ૧૬ ગુના દાખલ કર્યા છે.એટલું જ નહિ રાજ્યના તમામ સાયબર સેલ કાર્યરત કરી સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા વ્યક્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સોશ્યલ મીડિયા પર અફવા ફેલાવનાર તથા ભડકાઉ મેસેજ પોસ્ટ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરીને ગઈ કાલે વધુ ૧૮ સોશ્યલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. સોસાયટીઓમાં લગાડવામાં આવેલા ખાનગી સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરીને પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં આ પ્રકારે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી સોસાયટીઓમાં લોકડાઉનનો ભંગ કરનાર વ્યક્તિઓને પોલીસે પકડી પાડયા છે. ગાંધીનગરમાં આવા પાંચ ગુનો દાખલ કરીને ૨૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેમ શ્રી ઝાએ ઉમેર્યું છે.પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૨૪૧૭ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૯૪૩ તથા અન્ય ૪૪૬ ગુનાઓ મળી કુલ ૩૮૦૬ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૫૩૪૬ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૨૬૮૦ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application