Tapi mitra News-લોકડાઉનની વચ્ચે ગત બપોરે સુરતના સલાબતપુરા વિસ્તારના ઇન્દ્રપુરા જુમ્માશા ટેકરા ખાતે રહેતા યુવાનના ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘુસી તેની પ્રેમિકાના પરિવારજનો સહિત ૧૩ વ્યકિતએ યુવાનની માતા, બહેનોને માર મારી બહાર પાર્ક કરેલી એક્ટીવાની પણ તોડફોડ કરી હતી. બાદમાં તમામે યુવાનના મિત્રના ઘરમાં ઘુસી તમે કેમ યુવાનને મદદ કરો છો કહી યુવાનના મિત્ર અને ફોઈને પણ માર માર્યો હતો. જાહેરમાં ઝઘડો થતો જોઈ નજીકની એસઆરપી તંબુ ચોકીના કોન્સ્ટેબલ ઝઘડો અટકાવવા જતા તેમના ઉપર પણ હુમલો કરી માર મારી ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે આ ઘટનામાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ બે અલગ ફરિયાદ નોંધી હુમલો કરનાર યુવતીના પિતા અને ભાઈ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
સુરતના સલાબતપુરા વિસ્તારના ઇન્દ્રપુરા જુમ્માશા ટેકરા ઘર નં.૩/૩૩૮મા રહેતા ૫૯ વર્ષીય મોહમદ હનીફ અબ્દુલ કાદર શેખ રેતી-કપચી-ઈંટનો વેપાર કરે છે. તેમના ઘરની સામે રહેતા રમઝાન ઉર્ફે બિહારીનો પુત્ર આસીફ તેમના પુત્ર મોહમદ સાદીકનો મિત્ર છે અને આસીફને જુમ્માશાનો ટેકરો સુર્ય મટનની ગલીમાં ભંગારની દુકાનની ઉપર રહેતા અબ્દુલ મલબારીની પુત્રી સાથે પ્રેમ સંબંધ છે. અબ્દુલ મલબારીને તેવી પણ શંકા હતી કે, આસીફને સાદીક અને તેનો પરિવાર મદદ કરે છે. આ બાબતની જ અદાવત રાખી ગત બપોરે સવા બે વાગ્યે અબ્દુલ મલબારી, તેનો પુત્ર જાવેદ ઉપરાંત ઈરફાન ઉર્ફે ઈપ્પો મલબારી હાથમાં લાકડાના ફટકા, છરો, હોકી સ્ટીક સાથે મિત્રો અને અન્ય સગા સંબંધી મળી કુલ ૧૩ વ્યક્તિ આસીફના ઘરે પહોંચતા તેના પરિવારે દરવાજો બંધ કરી દીધો હતો. જોકે, માર્ક હથિયારો સાથે આવેલા અબ્દુલ મલબારી અને અન્યોએ દરવાજો તોડી નાખી ઘરમાં ઘુસી આસીફની માતા યાસ્મીનબેન અને બે બહેનો અફસાના અને રુબિનાને માર મારી બાદમાં બહાર પાર્ક કરેલી એક્ટીવાની પણ તોડફોડ કરી હતી. ત્યાર બાદ તેઓ મોહમદ હનીફના ઘરમાં ઘુસી ઘુસી ગયા હતા અને તમે આસીફના પરિવાને મદદ કરો છો કહી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મોહમદ હનીફને બચાવવા તેમની બહેન રૂકસાના બાનુ આવતા તેને પણ વાળ ખેંચી માર માર્યો હતો. ઝઘડાની જાણ થતા નજીકમાં કાલીપૂલ ત્રણ રસ્તા ઉપર તંબુ ચોકીમાં ફરજ બજાવતા એસઆરપીના કોન્સ્ટેબલ ખેતુભા કૃપજી સોઢા અન્ય પોલીસ જવાન સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમને ઝઘડો અટકાવવા પ્રયાસ કરતા અબ્દુલ મલબારી અને અન્યોએ એ હમારા મામલા હે બીચ મેં મત આવો વરના જાનસે હાથ ધોના પડેગા કહી તેમના ઉપર પણ હુમલો કરી માર માર્યો હતો. તેથી ખેતુભાના માથામાંથી લોહી નીકળવા માંડયું હતું. સાથી જવાન તેમને બચાવીને સાઈડમાં લઇ ગયા હતા. બનાવની જાણ થતા સ્થળ ઉપર દોડી આવેલી સલાબતપુરા પોલીસે યુવતીના પરિવારજનો અને અન્યો વિરુદ્ધ બે અલગ ફરિયાદ તેમજ લોકડાઉન હોવા છતાં ભેગા થઇ ઝઘડો કરતા લોકડાઉનના ભંગની પણ ફરિયાદ નોંધી હુમલો કરનાર યુવતીના પિતા અબ્દુલ મલબારી અને યુવતીના ભાઈ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
High light-એક્ટીવાની તોડફોડ કરી, યુવાનના મિત્રના પિતા - ફોઈને પણ માર માર્યો,ઝઘડો અટકાવવા પહોંચેલા એસઆરપી જવાન ઉપર હુમલો કરી માર માર્યો હતો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500