Tapi mitra News-"કોરોના"ના સંક્રમણને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો જ્યારે ખભેખભા મિલાવીને રાતદિવસ જોયા વિના, અને તેમના પરિવારજનોની ચિંતા કર્યા વિના, સરકારની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર અવિરતપણે કામગીરી કરી રહ્યા છે, ત્યારે કેટલા વ્યક્તિઓ દ્વારા સરકારની કામગીરી બાબતે પૂરતી ચકાસણી કર્યા વિના, પાયવિહોણી બાબતોને સોશિયલ મીડિયામાં અપલોડ કરવા સાથે, જિલ્લા અને તાલુકાના કંટ્રોલ રૂમોમાં પણ ખોટી ફરિયાદો કરીને, અધિકારી/કર્મચારીઓની કામગીરીમાં રૂકાવટ લાવવામાં આવી રહી છે,ત્યારે વિનામુલ્યે અપાતા અનાજ બાબતે સોશિયલ મીડિયામાં પાયવિહોણી પોસ્ટ અપલોડ કરવા મામલે વ્યારા અને ઉચ્છલના વ્યક્તિએ માફી માંગવાનો વારો આવ્યો છે,
ઉચ્છલ તાલુકાનાં નુરબાદ ગામના યુવાન રણજીતકુમાર મહેશભાઇ ગામિતે તેના ફેસબુક ઉપર “સડેલી ચણા દાળ” નો જૂને ફોટો વાયરલ કરીને તેની સાથે વાંધાજનક લખાણ લખીને પાયવિહોણી બાબતને ચર્ચાનો વિષય બનાવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના ધ્યાને આ બાબત આવતા તેમણે તાત્કાલિક તેમના ચુનંદા ઉચ્ચ અધિકારીઓની ટીમને આ બાબતની સત્યતા ચકાસવા રવાના કર્યા હતા. જેમાં આ બાબત બિલકુલ પાયવિહોણી હોવાની પુસ્ટી થવા પામી હતી. જેથી કલેક્ટરશ્રી પ્રજાજનોની લાગણી ભડકાવનાર આ વ્યક્તિ સામે લાલ આંખ કરતાં, આ પોસ્ટ અપલોડ કરનાર યુવાને તંત્ર સમક્ષ ઉપસ્થિત થઈ, તેના દ્વારા આ ભૂલ થઈ ગઈ હોવાનું, અને તેના પરિવારને પૂરતું અને ગુણવત્તાયુક્ત અનાજ મળી ગયું હોવાનું જણાવ્યુ હતું. ભવિસ્યમાં ક્યારેય પણ આવી પોસ્ટ અપલોડ કે ફોરવર્ડ નહીં કરવાની બાંહેધરી સાથે જિલ્લા વહીવટી તંત્રને માફીપત્ર પણ આ યુવાન દ્વારા લખી આપવામાં આવ્યું છે.
અન્ય એક કેસમાં વ્યારા તાલુકાનાં કાટગઢના રહેવાસી અરવિંદભાઈ રમણભાઈ ગામિતે ગત તા.1 લી એપ્રિલના રોજ જિલ્લાના કંટ્રોલ રૂમના ટેલિફોન ઉપર પ્રજાજનોને વિનામુલ્યે આપવામાં આવતું અનાજ, નિયત ધારાધોરણ કરતાં ઓછું આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. જેની ચકાસણી કરતા આ બાબત પણ પાયવિહોણી જણાઈ આવતા, વહીવટી તંત્રએ આ વ્યક્તિ વિરુદ્ધ પણ કડક રૂખ અખત્યાર કર્યું હતું. જેને પગલે ખોટી ફરિયાદ કરનાર અરવિંદભાઇ ગામિતે પણ જિલ્લા વહીવટી તંત્રને ભવિસ્યમાં આવી ફરિયાદ નહીં કરવાની બાંહેધરી આપવા સાથે માફીપત્ર લખી આપ્યું છે. તાપી કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ આ બાબતે જણાવ્યુ હતું કે, કોઈ પણ વ્યક્તિની ફરિયાદ સાચી હશે, તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની ચકાસણી કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ પાયવિહોણી ફરિયાદો કે માત્ર ટીખળ કરવાના હેતુસર કરાતી ફરિયાદો તંત્ર સાંખી નહીં લે, અને આવી ફરિયાદો કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની સૌ પ્રજાજનોને નોંધ લેવા પણ તેમણે જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500