નારીશક્તિને બિરદાવવાનો દિવસ એટલે તા.૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. દર વર્ષે આઠમી માર્ચના રોજ વિવિધ ક્ષેત્રે નામના મેળવનારી મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે. આજે દરેક ક્ષેત્રોમાં મહિલાઓ પુરૂષ સમોવડી બનીને કાર્ય કરી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નારીઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. નારી દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસિલ કરી સફળતાના શિખરો સર કરી રહી છે. પરંતુ ઘણીવાર રૂઢીગત માન્યતાઓ અન જૂનવાણી વિચારસરણી મહિલાની મુસીબતનું કારણ પણ બનતા હોય છે. આવા સમયમાં મુસીબતમાં પડેલી મહિલાઓ માટે કોઈ પણ ઘરેલુ હિસા કે દુવ્યવહાર જેવી ઘટનાઓના સમયે તાત્કાલિક બચાવ મેળવી શકે તેવા આશયથી રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે તા.૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી હતી.
આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના ગુજરાતમાં સફળતાના ૮ વર્ષ પૂર્ણ થયા છે. માત્ર ૦૮ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૧,૭૬,૧૦૨ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર કાઉન્સેલર સાથેની અભયમ રેસ્ક્યુ વાન જઈને ૨,૩૭,૯૦૧ જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. ૧,૪૯,૩૩૫ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૭૧,૮૭૨ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટનાસ્થળ ઉપર જઈને રેસ્ક્યુ વાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવી છે.
૧૮૧ હેલ્પલાઈનની વિશેષતા:
• મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
• ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
• પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
• મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલીવાર ઈન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
સુરત જિલ્લાની વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષમાં ૮૯૫૬૯ મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઈ ને ૧૮,૬૮૪ જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. આમ સુરત જિલ્લાની કોઈ પણ મહિલાઓ મહિલા સાથે થતી હિંસા, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, વ્યવસાયને લગતા પ્રશ્નોની માહિતી ૧૮૧ હેલ્પલાઈન મારફતે મેળવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500