YouTube દ્વારા જારી કરવામાં આવેલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરનાં એન્ફોર્સમેન્ટ અહેવાલ અનુસાર સતત અગિયારમાં કવાર્ટરમાં વિડિયો દૂર કરવામાં આવેલા દેશોની યાદીમાં ભારત મોખરે રહ્યું છે. એપ્રિલ-જુન 2020માં આ યાદીમાં US મોખરે હતું તેનું સ્થાન હવે ભારતે લીધું છે. છેલ્લા એક વર્ષમાં વિડિયો શેરિંગ પ્લેટફોર્મ YouTube પરથી સૌથી મોટી સંખ્યામાં ભારતમાંથી વિડિયો દૂર કરવામાં આવ્યા છે. YouTube દ્વારા તેના પ્લેટફોર્મ પર કોમ્યુનિટી ગાઇડલાઇન્સનો અમલ કેવી રીતે કરવામાં આવ્યો તે દર્શાવતો ક્વાર્ટરલી રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવે છે. ખોટી માહિતી ફેલાવવી, નફરત ફેલાવતાં પ્રવચનો, હિંસા અને ભડકાઉ સામગ્રી તથા બાળસલામતિ વિશેની નીતિનો ભંગ કરતાં વિડિયોને દૂર કરવામાં આવ્યા હતા.
જુલાઇ-સપ્ટેમ્બર 2022 દરમિયાન YouTubeએ ભારતમાંથી 17 લાખ વિડિયો દૂર કર્યા હતા જે દુનિયામાંથી દૂર કરવામાં આવેલા કુલ 56 લાખ વિડિયોનો ચોથા ભાગનો હિસ્સો છે. અગાઉના બે ક્વાર્ટર દરમ્યાન પણ ભારતમાંથી અનુક્રમે 13 લાખ અને 11 લાખ વિડિયો દૂર કરવામાં આવ્યા હતા. આ સમયગાળામાં જે દેશોમાંથી સૌથી વધારે વિડિયો દૂર કરવામાં આવ્યા હોય તેવા ટોચના પાંચ દેશોમાં ભારત, ઇન્ડોનેશિયા, યુએસ, બ્રાઝિલ અને રશિયાનો સમાવેશ થાય છે. કંપનીએ દાવો કર્યો હતો કે, 56 લાખ વિડિયોમાંથી 94 ટકા કરતાં વધારે વિડિયો બાબતે માણસોથી પહેલાં મશીને વાંધો દર્શાવ્યો હતો.
આમાંથી 36 ટકા વિડિયો એક જ વાર જોવામાં આવ્યા તે પછી તરત જ હટાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 31 ટકા વિડિયોને હટાવવામાં આવ્યા તે પહેલાં એકથી દસ જણાએ તે જોયા હતા. કંપનીએ આ ક્વાર્ટરમાં દુનિયાભરમાંથી 50 લાખ કરતાં વધારે યુટયુબ ચેનલ્સ અને 728 મિલિયન કોમેન્ટસ દૂર કરી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, ભારતમાં કેપનીને વિડિયો સામગ્રી દૂર કરવાની સો કરતાં પણ ઓછી વિનંતી મળી હતી. જાન્યુઆરી-જુન 2022 દરમ્યાન મેટા પરથી વાંધાજનક સામગ્રી હટાવવા માટે સરકાર તરફથી 55,497 વિનંતીઓ મળી હતી. અગાઉના 6 મહિનામાંઆવી 45,275 વિનંતીઓ મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500