તાપીમિત્ર ન્યુઝ,સૂરત:પ્રાચીનકાળથી આપણા સમાજમાં હવન,પૂજા,ધાર્મિક કર્મકાંડ તથા અગ્નિસંસ્કારમાં ચંદનના લાકડાનું અનેરૂ મહત્વ રહેલું છે.ચંદનમાં એક અનેરી અને અનન્ય સુગંધ રહેલી છે.ચંદનના તેલમાં ઘણા ઔષધીય ગુણોના કારણે સૌંદર્ય પ્રસાધનોમાં છુટથી ઉપયોગ થાય છે. જેથી તેની દેશ-વિદેશમાં ખૂબ માંગ રહે છે,પરંતુ માંગની અપેક્ષાએ ઉત્પાદન ઘણું જ ઓછું જોવા મળે છે,જેના કારણે ચંદનની કિંમત દિવસેને દિવસે વધતી જ રહે છે.ચંદન તો જંગલમાં જ ઉગે એવી માન્યતાને ખોટી પાડતાં રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો હવે પોતાના ખેતરોમાં ચંદનના વૃક્ષોની ખેતી કરીને નવો ચીલો ચાતરી રહ્યા છે. સૂરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી નરેન્દ્રભાઈ છોટુભાઈ પટેલ ઉર્ફે ભીખાભાઈ પટેલે ચંદનની ખેતી કરીને સાહસિકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડયું છે.વાત કરતા તેઓ કહે છે કે, મેં ૯ સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ ૧૬ વિધામાં ૧૨ X ૧૬ ફુટના અંતરે ૨૧૫૧ સફેદ ચંદનના રોપાનું વાવેતર કર્યું છે.સાથે આંતર પાક તરીકે વચ્ચેના ભાગમાં ૧૧૦૦ આંબાનું પણ વાવેતર કર્યું છે. સારો ગ્રોથ જણાતા એક વર્ષ બાદ વધારાની ચાર વિઘા જમીનમાં ૩૫૦ ચંદન તથા ૭૦૦ આંબાનું પણ વાવેતર કર્યું છે.થોડા સમય બાદ ૧૧૦૦ જેટલા લાલ ચંદનના વૃક્ષોનું પણ તેમણે વાવેતર કર્યું છે. પાણીની બચત થાય તે માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ દ્વારા પિયત કરવામાં આવે છે.શરૂઆતના વર્ષોમાં અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ પાણી આપવું પડે છે.લાંબાગાળાની ખેતી કેમ પસંદ કરી તેનો જવાબ આપતા નરેન્દ્રભાઈ કહે છે કે,‘હું અગાઉ નીલગિરી જેવા વૃક્ષની ખેતી કરી ચૂકયો છું. જેથી આ ચંદનની ખેતી કરવા પ્રેરાયો છું.હાલમાં અનિયમિત વરસાદ અને શ્રમિકોની ભારે અછત રહે છે અને આગામી સમયમાં આ સમસ્યા અત્યંત વિકટ બનશે.શેરડીમાં પણ છેલ્લા વર્ષોમાં ખાસ ભાવો વધ્યા ન હોવાથી ચંદન ખેતીની પસંદગી કરી છે.રોકાણની કોઈ પણ સ્કીમમાં મળતાં વળતરથી પણ વધુ નાણાં ચંદનની ખેતીમાં મળી શકે છે.તેથી ચંદનની ખેતી દમદાર ખેતીનો પર્યાય છે એમ જણાવતાં નરેન્દ્રભાઈ ઉમેરે છે કે,ચંદનની ખેતી ૧૫ થી ૨૦ વર્ષ જેવો લાંબો સમયમાં માંગી લે છે.જેથી ખંતપૂર્વકનું આયોજન અને ધીરજ જરૂરી છે.સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે,વાવેતર માટેના સારી ગુણવત્તાવાળા રોપા જ તેનું ભવિષ્ય નક્કી કરે છે.ચંદનએ પરોપજીવી વૃક્ષ છે.જેથી અન્ય પાક પર આધારિત હોવાથી અમોએ પ્રથમ વર્ષે ચંદનની ફરતે લાલ મહેંદીનું વાવેતર કર્યું.ચંદનના છોડ એક વર્ષના થતા બે ચંદનના છોડની વચ્ચે સરૂના છોડોનું વાવેતર કર્યું છે.જેનાથી ચંદનના વૃક્ષોને નાઈટ્રોજન મળી રહે છે. ચંદનના વૃક્ષને લગભગ ૨ વર્ષ સુધી સારી માવજત આપવામાં આવે તો બાકી સમયમાં ખુબ જ ઓછા ખર્ચે તથા ઓછી મહેનતે વિકાસ થઈ શકે છે.ચંદનના વૃક્ષમાં ૭-૮ વર્ષ બાદ ચંદન (હાર્ટવુડ) બનવાનું ચાલુ થઈ જાય છે,તથા ૧૫ થી ૧૮ વર્ષ બાદ તેની કાપણી કરીને વેચાણ કરી શકાય છે. High light-વિદેશોમાં ભારે માંગઃસફેદ ચંદન સદાબહાર વૃક્ષ છે.વૃક્ષમાંથી નીકળતુ તેલ તથા લાકડું બન્ને ઔષધિઓ બનાવવામાં ઉપયોગી છે.ચીન જેવા દેશોમાં તેની ખૂબ માંગ છે.હાલ એક કિલોદીઠ ભાવ ત્રણથી ચાર હજાર છે.જેમાં ભવિષ્યમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.જો ખેડૂતો પાસે વધારાની પડતર જમીન હોય તો આ ખેતી લાંબાગાળે ઉત્તમ વળતર આપે છે.ચંદનની ખેતીમાં લેવી પડતી તકેદારી અંગે નરેન્દ્રભાઈ કહે છે કે,રોપણી બાદ માલિકી સર્વે નંબરમાં ચંદનના વૃક્ષોની નોંધણી આવશ્યક છે,તથા કાપણી સમયે જંગલખાતાના સક્ષમ અધિકારીની મંજૂરી બાદ ખેડૂત પોતાની રીતે તેનું વેચાણ કરી શકે છે.પહેલા તો ચંદનની ખેતીમાં જે તે વિસ્તારની માટી અનુકૂળ છે કે નહી,તેની જાણકારી હોવી જરૂરી છે.પ્રથમ તો મેં ચારેક વર્ષ પહેલા બે સફેદ ચંદનના છોડ લાવીને વાવેતર કર્યું હતું.જેમાં સારો એવો ગ્રોથ દેખાતા મોટા પાયે ખેતી કરવાની શરૂઆત કરી. ખાસ કરીને પ્રથમ બે ચોમાસાના સમયે છોડની ફરતે પાણી ભરાય નહી તેની ખાસ તકેદારી લેવી. શરૂઆતમાં વર્મી કમ્પોસ્ટ આપીને ઓર્ગેનિક દવાનો છંટકાવ કરીને છોડની કાળજી લીધી હતી. પ્રથમ ચોમાસામાં પોતાના ખેતરમાં વાવેલા ચંદનના છોડ પૈકી ૭૦ જેટલા છોડ બળી ગયા હતા. જેમાં ફરીથી નવા છોડનું રોપણ કર્યું છે.બે વર્ષના અંતે નરેન્દ્રભાઈની વાડીમાં ચંદનના વૃક્ષો આઠ ફુટથી વધુની ઉંચાઈ તથા ઘેરાવો પણ સારો છે. ચંદનમાં વધારાની ડાળીઓને કાપીને પ્રુનીંગ પણ કરવામાં આવ્યું છે જેથી મુખ્ય થડ વધુ ગ્રોથ કરી શકે. High light-દિકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય:નાના અને સીમાંત ખેડૂતો સ્વાભાવિક રીતે ચંદનની લાંબાગાળાની ખેતી ન કરી શકે. પરંતું જો આવા ખેડૂતો ચંદનના છોડો શેઢા,પાળા પર જો ૧૫ થી ૨૦ વૃક્ષોનું વાવેતર કરે તો પણ ૧૫ વર્ષ પછી આસાનીથી ૧૦ થી ૧૨ લાખની કમાણી કરીને પોતાની દિકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. નરેન્દ્રભાઈ કહે છે કે,સફેદ ચંદનના ૨૫૦૦ જેટલા વૃક્ષો ૧૮ વર્ષ બાદ પરિપક્વ થશે. એક વૃક્ષમાંથી અંદાજે ૧૫ થી ૨૦ કિલો ઉપયોગી ચંદનનું લાકડું પ્રાપ્ત થશે.જેથી કિલોદીઠ રૂા.૩૦૦૦ જેટલો ભાવ ગણીએ તો વૃક્ષદીઠ અંદાજે રૂા.૫૦,૦૦૦ મળે તો પણ અંદાજીત ૧૨ કરોડ જેટલું માતબર વળતર મળવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી. વર્ષ દીઠ એક લાખ જેટલો ખર્ચ પણ અંદાજવામાં આવ્યો છે. High light-ચંદનનું રક્ષણ તથા આંતર પાકોઃચંદનના રક્ષણ અંગે વિગતો આપતા નરેન્દ્રભાઈ કહે છે કે, વાડી ફરતે દિવાલ, સીસીટીવી કેમેરા તથા ડોગ સ્કવોડ રાખી કાળજી લેવાની ભવિષ્યની યોજનાઓ વિશે કહ્યું હતું. ચંદનની ખેતીમાં આંતર પાકની વાત કરીએ તો,પ્રથમ ત્રણ થી ચાર વર્ષ સુધી શાકભાજી, હળદર ઉપરાંત પપૈયા જેવા આંતર પાકો પણ લઈ શકાય છે. નરેન્દ્રભાઈ ખેડૂતોને સંદેશો આપતા કહે છે કે,જે ખેડુત ધીરજ અને હિંમત રાખી શકે તો જ આ ખેતી કરવી. લાંબાગાળે વળતર મળતું હોવાથી અન્ય આંતર પાકો પણ લઈ શકાય.આ ખેતી ઓછા પાણીએ,ઓછા ખર્ચે, ઓછી મહેનત તેમજ રોગોનું પ્રમાણ પણ ઓછુ જોવા મળે છે. ચંદનના વૃક્ષમાં રોગોમાં ફુગ જેવા રોગો પણ જોવા મળે છે જેનું સમયસય ઉપચાર કરવો પણ હિતાવહ છે. આમ ભવિષ્યની માંગને ધ્યાને લેતા ખેતી કરવી હિતાવહ છે.અન્ય ખેડુતો ચંદનની ખેતી માટે નરેન્દ્રભાઈના ખેતરની પણ મુલાકાત લઈ, માર્ગદર્શન પણ મેળવી શકે છે.આજના આધુનિક યુગમાં લોકો ખેતીના બદલે શહેરી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તેવા સમયે આવી ખેતી પર્યાવરણના જતનની સાથે વધુ આવક ખેડુતો મેળવી શકે છે.(અહેવાલઃ- મહેન્દ્ર વેકરીયા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application