માંડવીના આંબાપારડી ચાર રસ્તા નજીક દાણાચનાની લારી ચલાવતા યુવકને બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ માર મારી લૂંટી લીધોનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજમરેલીના અને હાલ માંડલીના તરસાડા બાર ગામે રહેતો સુશીલકુમાર દશવભાઈ રાજપૂત આંબાપારડી ગામના પાટિયા પાસે દાણાચનાની લારી ચલાવે છે. જોકે ગત ૨૮મી ફેબુઆરીએ રાત્રીના ૮ વાગ્યે બાઇક પર ત્રણ ઈસમો તેની લારી પાસે આવ્યા હતા અને ભેળ તેમજ દાણાચના લીધા હતા.
ત્યારબાદ સુશીલ લારીની નજીક ગરનાળા પર બેસીને પોતાના મોબાઈલમાં જોયા કરતો હતો. ત્યારે ત્રણેય શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધી સુશીલ પાસે આવ્યા હતા અને મોબાઇલ ખેંચવા લાગ્યા હતા. મોબાઇલ નહિ આપતા સુશીલને ઠીકમુક્કીનો માર મારી શર્ટનાં ખીસ્સામાંથી રોકડા કાઢી લીધા બાદ તેણે પહેરેશી ચાંદીની ચેઇન લૂંટી લીધો હતો. બાદમાં સુશીલે બુમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. આથી ત્રણેય શખ્સો સ્થળ પર જ બાઈક મૂકી ખેતરાડીમાં નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતા માંડવી પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને ખેતરાડીમાં તપાસ કરતા એક આરોપી આશિષ અમિતભાઈ ચોધરી (ઉ.વ.૨૪, રહે.ટંકારી ફળિયું, બાલદા, તા.બારડોલી)ને પકડી લીધો હતો. ત્યારબાદ પૂછપરછમાં તેની સાથે જયદીપ જિનેન્દ્રભાઈ ચૌધરી (રહે.ઉમરસાડી, તા.માંડવી) અને આશિષ ચૌધરી (રહે.નરેણ, તા.માંડવી) નામના બે આરોપીઓ હોવાનું જણવા મળ્યું હતું. આમ, પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500