દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવી. એક પરિણીતા તેના પ્રેમીના ઘેર મળવા ગઇ હતી જેની જાણ તેના પરિવારના લોકોને થતા પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી. ત્યારબાદ તેને અર્ધનગ્ન હાલતમાં સાંકળથી બાઇક સાથે બાંધી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. જે વાઇરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઇ હતી અને 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે 12 લોકોની ધરપકડ કરી લીધી છે.
બનાવ અંગેની વિગત એવી છે કે, સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસિંગભાઇ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. તારીખ 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર હાજર હતી ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રુપાખેડા ગામના શખ્સો ગોવિંદભાઇના ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો. ફક્ત મારમારી હેવાનોએ સંતોષ ન થતા પરિણીતાને અર્ધ નગ્ન કરી બાઇક પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઢસડીને પરિણીતાના સસરાના નવા મકાને લઇ જવામાં આવી હતી.
ત્યાંથી પરત તેવી જ હાલતમાં મકાનમાં લાવ્યા હતાં. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળા પૈકી બે શખ્સોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં જ દાહોદ પોલીસ સફાળી જાગી હતી અને સ્થળ પર દોડી જઇ વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી. પોલીસ સમક્ષ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે 15 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં 15 માંથી 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500