મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અસર કૃષિ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પર પણ જોવા મળશે. આર્થિક બાબતો પર કેબિનેટ કમિટિએ ઈથેનોલના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી દીધી છે. દેશની અર્થવ્યવસ્થા માટે ક્રિટિકલ મિનરલના મહત્વને ધ્યાનમાં રાખીને 16,300 કરોડ રૂપિયાના આ મિશનને મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશને ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધવાનો છે.
વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCEA એ ઈથેનોલની ખરીદી માટે સુધારેલા ભાવોને મંજૂરી આપી દીધી છે. આ કિંમતો 1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025 સુધી લાગુ રહેશે. નિર્ણય પ્રમાણે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ C-Heavy Molasses એટલે કે CHM માટે એક્સ મિલ ભાવ 56.58 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 57.97 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થવા ઉપરાંત દેશની ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી ચલણ બચાવવામાં પણ મદદ કરશે.
કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ આજે મંજૂરી આપી દીધી છે. તેમાં 16,300 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે અને લગભગ 18,000 કરોડ રૂપિયાનું સરકારી કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવી શકે છે. સરકારના આ મિશનનો ઉદ્દેશ્ય ગ્રીન ટેકનોલોજી માટે જરૂરી ક્રિટિકલ મિનરલ માટે વધુ સારી વેલ્યુ ચેનને સ્થાપિત કરવાનો છે. કેબિનેટ દ્વારા જારી રિલીઝ પ્રમાણે ક્રિટિકલ મિનરલ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવા માટે એક અસરકારક ફ્રેમવર્ક સ્થાપિત કરવું ખૂબ જ જરૂરી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રીએ ક્રિટિકલ મિનરલ મિશનની જાહેરાત કરી હતી. આ મિશન દ્વારા દેશમાં આવા મિનરલની શોધના કાર્યને ઝડપી બનાવી શકાશે. આગામી 7 વર્ષમાં આ મિશનમાં 34,300 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500